કોરોનાને કારણે નહીં, IPL ગુમાવવાના ડરથી ખેલાડીઓ પાછળ હટ્યા’ને મેન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થયો: ઈંગ્લેન્ડ બોર્ડ

11 September 2021 11:27 AM
India Sports
  • કોરોનાને કારણે નહીં, IPL ગુમાવવાના ડરથી ખેલાડીઓ પાછળ હટ્યા’ને મેન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થયો: ઈંગ્લેન્ડ બોર્ડ

ઈસીબી દ્વારા કોરોના નિષ્ણાતો સાથે ભારતીય ખેલાડીઓનું સેશન પણ કરાવાયું હતું જે નિષ્ફળ નિવડ્યાનો દાવો: હવે જ્યારે પણ આ ટેસ્ટ રમાશે તેને શ્રેણી સાથે કોઈ લેવા-દેવા નહીં હોય

નવીદિલ્હી, તા.11
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેન્ચેસ્ટરમાં રમાનારો પાંચમો ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ સતત વિવાદો થઈ રહ્યા છે. બીસીસીઆઈએ જાણકારી આપી છે કે શ્રેણીનો પાંચમો ટેસ્ટ મેચ હાલ પૂરતો રદ્દ કરવામાં આવ્યો છે જેને બાદમાં રમાડવામાં આવશે. બીજી બાજુ ઈંગ્લેન્ડ ક્રિકેટે કહ્યું કે હવે જે મેચ રમાશે તે એકમાત્ર ટેસ્ટ હશે જેનો આ શ્રેણી સાથે કોઈ જ મતલબ નહીં હોય.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના સીઈઓ ટોમ હેરિસને કહ્યું કે મને લાગે છે કે આ અલગ પ્રકારની સ્થિતિ છે. અમને અન્ય વિકલ્પો આપવામાં આવ્યા છે જેના ઉપર વિચારણા કરાશે. આ મેચ કોરોના વાયરસના ખૌફને કારણે નહીં પરંતુ ‘તેનાથી શું થઈ શકે છે’ના વિચારને પગલે રદ્દ કરવો પડ્યો છે. ભારતીય ખેલાડીઓને સહજતાનો અનુભવ કરાવવા, સમજાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

હેરિસનની માનીએ તો તેણે કોરોના વાયરસને સમજનારા નિષ્ણાતો સાથે પણ ટીમ ઈન્ડિયાનું સેશન કરાવ્યું હતું પરંતુ ભારતીય ખેલાડીઓ મેચ નહીં રમવાનું મન બનાવી ચૂક્યા હતા. તેની અસલ ચિંતા એ હતી કે જો મેચ દરમિયાન કોઈ ખેલાડી પોઝિટીવ આવ્યો તો તેણે ઈંગ્લેન્ડમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે જેના કારણે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની બીજી સીઝનમાં રમી શકશે નહીં. એક વખત જ્યારે ડ્રેસિંગ રૂમમાં ટેન્શન ઘૂસી જાય છે તો તેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે.

પાંચમો મેચ રદ્દ થયા બાદ બીસીસીઆઈ દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે બન્ને બોર્ડ કોઈ અન્ય સમયે મેચને ફરીથી રમાડવાની કોશિશ કરશે. હેરિસને કહ્યું કે પ્રસ્તાવિત મુકાબલો શ્રેણી માટે નક્કી થવાની જગ્યાએ માત્ર એક ટેસ્ટ મેચ જ ગણાશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને 200 કરોડનું નુકસાન: ગાંગૂલી વાત કરવા જશે
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો મેન્ચેસ્ટર ટેસ્ટ રદ્દ થવાને કારણે 20 મિલિયન પાઉન્ડ (અંદાજે 200 કરોડ રૂપિયા)નું નુકસાન જશે. આ નુકસાનમાં મેચનું આયોજન કરનારા લંકાશાયર ક્રિકેટ ક્લબને એક મિલિયન પાઉન્ડ (અંદાજે 10 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે જે ટિકિટ વેચાણના તમામ પૈસા પરત કરશે. આ નુકસાની મુદ્દે ચર્ચા કરવા માટે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી ઈંગ્લેન્ડ જનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement