હજુ શુક્રવાર સુધી વરસાદી માહોલ રહેશે: અશોક પટેલ

13 September 2021 03:31 PM
Rajkot Gujarat
  • હજુ શુક્રવાર સુધી વરસાદી માહોલ રહેશે: અશોક પટેલ

લો-પ્રેસર, ટ્રફ જેવી સાનુકુળ સિસ્ટમથી હજુ સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે: તા.17 સુધીમાં સર્વત્ર બે થી ચાર ઈંચ તથા અતિ ભારે વરસાદી સેન્ટરોમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકવાની શકયતા

રાજકોટ તા.13
સૌરાષ્ટ્રને છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજા ધમરોળી રહ્યા છે ત્યારે આવતા શુક્રવાર સુધી વરસાદ તથા વરસાદી માહોલ ચાલુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે 7થી13 ઓગષ્ટની ગત આગાહીમાં સાર્વત્રિક સારો વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી કરી હતી તે મુજબ સર્વત્ર વરસાદ પડયો છે.

અત્યારે પણ હવામાન સિસ્ટમ સાનુકુળ છે અને 17મી સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જળવાય રહેવાની શકયતા છે. બંગાળની ખાડીમાં બે દિવસ પુર્વે સર્જાયેલું લોપ્રેસર મજબૂત બનીને ડીપ્રેસન બન્યુ હતું અને વધુ શક્તિશાળી બનીને ડીપ ડીપ્રેશન થયુ છે. હાલ ઉતર ઓડીશા પર કેન્દ્રીત છે અને પશ્ચીમ ઉતર પશ્ચીમ તરફ ગતિ કરે છે. આવતા બે દિવસમાં તે ઉતરીય છતીસગઢ અને મધ્યપ્રદેશ પહોંચશે. જો કે ત્યારબાદ 24 કલાકમાં નબળુ પડી જવાની શકયતા છે.

આ સિવાય બીજુ લો-પ્રેસર ગુજરાત પર કેન્દ્રીત છે. મધ્યપ્રદેશ-રાજસ્થાન પર હતું તે ઉતર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લંબાય અને તેને આનુસાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન 5.8 કિલોમીટરના લેવલે દક્ષિણ પશ્ચીમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી નલીયાથી લો-પ્રેસર, એરીયા થઈને ખેડવા, રાયપુર, સંબલપુર અને ડિપ્રેસનના સ્થળે પહોંચે છે. આ ઉપરાંત 1.50 કી.મી.થી 5.8 કીમીનો ટ્રપ ડીપ ડીપ્રેશનના અપરએર સાયકલોનીક સિસ્ટમ સુધી લંબાય છે.

મધ્યપ્રદેશની સીસ્ટમ ગુજરાત ભણી આવશે અને આવી સીસ્ટમ ભેગી થશે. તા.13થી17 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે તા.17ને શુક્રવાર સુધી વર્તમાન વરસાદી માહોલ યથાવત રહે તેમ છે. મોટા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે. આ દરમ્યાન સર્વત્ર બે થી ચાર ઈંચ તથા અતિભારે વરસાદના સેન્ટરોમાં 200 મીમી (8 ઈંચ)થી વધુ વરસાદ થવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement