મુખ્યમંત્રીના નામ પર ખેલાયો કરોડોનો સટ્ટો: પંટરો ‘પૂરાયા’, બુકીઓ કમાયા

13 September 2021 06:25 PM
Ahmedabad Gujarat Politics
  • મુખ્યમંત્રીના નામ પર ખેલાયો કરોડોનો સટ્ટો: પંટરો ‘પૂરાયા’, બુકીઓ કમાયા

મોદી-શાહની ‘શૈલી’થી વાકેફ હોવા છતાં સટ્ટાની ‘આગ’માં હાથ નાખ્યો’ને દાઝી ગયા !

નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે તેવું માનીને પંટરોએ પાંચ હજારથી લઈ પાંચ લાખ સુધીનો દાવ લગાડી દીધો’તો, ભૂપેન્દ્ર પટેલનું નામ નીકળતાં જ ‘સલવાઈ’ ગયા: અનેકે તો જીતુ વાઘાણી, આર.સી.ફળદુ ઉપર પણ ખેલી નાખ્યો હતો દાવ: પાટીલ, ઝડફિયા, માંડવિયા, રૂપાલા ઉપર પણ મોટી રકમ લાગી હતી: બુકીઓને અચાનક જ લોટરી લાગી ગઈ: ચર્ચામાં રહેલું જ નામ નીકળ્યું હોત તો પંટરોને કમાણી થઈ ગઈ હોત પણ...

રાજકોટ, તા.13
ક્રિકેટ હોય કે ફૂટબોલ, ટેનિસ હોય કે પછી બીજી કોઈ રમત હોય બુકીઓ અને પંટરો તેના ઉપર હંમેશા ‘ખેલી’ લેવા માટે સજ્જ જ હોય છે. જો કે છેલ્લા ઘણા સમયથી વરસાદ અને રાજકારણને પણ સટ્ટાનો રંગ લાગી ગયો હોય તેવી રીતે બુકીઓ તેમાં પણ ‘એક્ટિવ’ થવા લાગ્યા છે. દરમિયાન ગુજરાતના રાજકરણમાં અચાનક ભૂકંપ આવી ગયો હોય તેવી રીતે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દેતાં નવા મુખ્યમંત્રીના નામની ચર્ચાઓ શરૂ થવા લાગી હતી.

શનિવારે બપોરથી લઈ રવિવારે સાંજ સુધી અનેક નામો ચર્ચામાં હોવાને કારણે બુકીઓની દાઢ ડળકી હતી અને દોઢ દિવસમાં જ સટ્ટો રમાડી દેવાનો નિર્ણય લઈ ભાવ આપવાનું શરૂ કરતાં પંટરોએ પણ મેદાનમાં ઉતરી જઈને વિવિધ નામો ઉપર કરોડો રૂપિયા લગાવી દીધા હતા. જો કે જે નામો ટ્રેન્ડમાં હતા તેમાંથી એક પણ નામ નહીં નીકળતાં પંટરો રીતસરના ધોવાઈ ગયા હતા તો બુકીઓ કમાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કામ કરવાની ‘શૈલી’થી લગભગ તમામ લોકો વાકેફ છે અને મુખ્યમંત્રીની પસંદગીમાં પણ કંઈક આવું જ બનવાનું હોવા છતાં લોકોએ સટ્ટાની આગમાં હાથ નાખી દેતાં અત્યારે તેમને દાઝવાનો વખત આવ્યો છે. મોટાભાગના લોકોને ખબર જ હતી કે જે નામ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાંથી કદાચ જ કોઈની પસંદગી થશે, મોટાભાગે કોઈ નવું જ નામ જાહેર થશે

આમ છતાં પંટરોએ નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાા, આર.સી.ફળદુ, જીતુ વાઘાણી સહિતના નેતાઓના નામ ઉપર પાંચ હજારથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીનો સટ્ટો લગાવી દઈને ટીવી સામે એકીટશે ગોઠવાઈ ગયા હતા કે કોનું નામ મુખ્યમંત્રી તરીકે નીકળે છે. જેવું ભૂપેન્દ્ર પટેલનું નામ નીકળ્યું કે તમામ પંટરોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ હતી અને બુકીઓના મુખડા હરખાવા લાગ્યા હતા ! જે નામ ચર્ચામાં ચાલતા હતા તેમાંથી જ જો કોઈનું નામ નીકળ્યું હોત તો અનેક પંટરો જીતી ગયા હોત પરંતુ અહીં તો ચર્ચામાં રહ્યા વગરનું જ નામ જાહેર થતાં બુકીઓને ચાંદી ચાંદી થઈ જવા પામી હતી.

અનેક ‘ખેલી’ઓએ હવે ક્યારેય મુખ્યમંત્રીના નામ ઉપર સટ્ટો નહીં રમવાની ખાઈ લીધી કસમ !
ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી માટે જે રીતે મોદી-શાહની જોડીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે ત્યારે પંટરો પણ ધોવાઈ ગયા છે. જાણવા મળ્યા પ્રમાણે અનેક પંટરોએ હવેથી ક્યારેય મુખ્યમંત્રીના નામ ઉપર સટ્ટો નહીં રમવાની કસમ ખાઈ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પંટરોનું કહેવું છે કે હવેથી કોઈ પણ પ્રકારનો સટ્ટો રમી નાખશું પણ ક્યારેય ભાજપના હોદ્દેદારોનું નામ જાહેર થવા ઉપર પૈસા લગાડશું નહીં !


Related News

Loading...
Advertisement
Advertisement