ઉતરાખંડ બાદ લો પ્રોફાઈલ ધરાવતા ધારાસભ્યને ગુજરાતમાં પસંદ કરાયા

13 September 2021 06:34 PM
Rajkot Politics Saurashtra
  • ઉતરાખંડ બાદ લો પ્રોફાઈલ ધરાવતા ધારાસભ્યને ગુજરાતમાં પસંદ કરાયા

બોલ્ડ પ્રયોગ કે પછી નાઈટ વોચમેન?

* ગુજરાતમાં વહેલી ચુંટણીની શકયતા હજુ ખુલ્લી જ છે  * ચુંટણીમાં મોદી-શાહની તાકાતના આધારે જ લડવાની છે: સી.એમ. ચહેરો ગમે તે ચાલી શકે

* રાજયમાં ભાજપ હવે થોભો અને રાહ જુવોની સ્થિતિમાં

રાજકોટ
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે લો-પ્રોફાઈલ અને બહું ઓછા જાણીતા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને પસંદ કરીને આશ્ચર્ય સર્જી દીધું છે તો હવે તેમની ભૂમિકા અંગે પણ પ્રશ્ર્ન છે. ગુજરાતમાં મોદી યુગ બાદ કોઈ પણ મુખ્યમંત્રી હોય પણ શાસનમાં દિલ્હીનો પ્રભાવ રહે છે તે નિશ્ચિત થાય છે અને જો કે અગાઉના કોંગ્રેસના શાસનની માફક મુખ્યમંત્રીએ અવારનવાર દિલ્હી દોડી જવું પડતું નથી પરંતુ તેઓને દિલ્હીનું ‘માર્ગદર્શન’ મળતું જ રહે છે.

આથી ભુપેન્દ્ર પટેલ માટે પણ તેવી જ પરીસ્થિતિ હશે અને સીએમઓમાં વધુ મજબૂત અધીકારીઓ મુકાઈ શકે છે. શ્રી ભુપેન્દ્ર પટેલને લો-પ્રોફાઈલ ભાજપ નેતા અને પાટીદાર ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં લાંબા સમયથી સક્રીય નેતા ગણવામાં આવે છે અને તેમાં અનેક સામાજીક-ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે પણ એક રાજકીય વ્યક્તિ તરીકે તેમની છબી હવે બનશે તેવું માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધારાસભ્યોમાંથી જ કોઈ નવા નેતાની પસંદગી થશે તેવું સી.આર.પાટીલે જાહેર કરીને બહારના લોકોની અટકળોનો અંત લાવી દીધો અને શ્રી નિતીન પટેલની શકયતા વધારી દીધી. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ જો શ્રી મનસુખ માંડવીયા કે પુરુષોતમ રૂપાલાને સી.એમ. બનાવે તો હાલમાં જ કેન્દ્રીય કેબીનેટમાં તેમને બઢતી અપાઈ છે તે અર્થ વગરની પુરવાર થઈ શકે છે અને ભાજપ પેટાચુંટણીઓ ઈચ્છતો જ ન હતો તેથી જ ધારાસભાની અંદરથી શોધખોળ કરી અને ભુપેન્દ્ર પટેલને પસંદ કરાયા.

ગુજરાતમાં મુખ્યમંત્રી કોઈપણ હોય પણ ધારાસભા કે લોકસભા ચુંટણી મોદી-શાહની જોડી જ લડે છે અને 2022માં તેવું જ થવાનું હતું તેથી તેમાં કોઈ એવા ચહેરાની જરૂર નથી અને ભાજપ પાસે તે ઉપલબ્ધ પણ નથી કે તેના ચહેરા પર ચુંટણી લડી શકાય અને તેથી ભુપેન્દ્ર પટેલની પસંદગીથી કમ સે કમ પાટીદાર ફેકટરને ડિસ્કાઉન્ટ કરી શકાય છે.

હજું 2016માં મોદીના દિલ્હી ગમનને બે વર્ષ થયા હતા અને 2015ના સ્થાનિક ચુંટણીનો પરાજય જાણીતો હતો છતાં પણ મોદી-શાહની જોડીએ પાટીદાર-મુખ્યમંત્રીને દૂર કરીને નોન પાટીદારને મુકવાનું જોખમ લીધું જ હતું પણ 2017ના પરિણામો તથા 2022ની અનિશ્ચીતતાથી ખાસ કરીને કોરોનાના કારણે જે લાખો લોકોએ પિડા ભોગવી તેના કારણે લોકોનો આક્રોશ હતો જ. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કોરોનાથી જે મુક પીડા છે તે હજુ બહાર આવી ન હતી. લોકો સારવાર વગર જ મૃત્યુ પામ્યા અને હજારો કુટુંબો બરબાદ થયા અને તે દૂર કરવા માટે પાટીદાર ચહેરો મોટી ભૂમિકા ભજવશે તેવી ભાજપને શ્રદ્ધા છે અથવા ઉમ્મીદ છે.

વાસ્તવમાં ગુજરાતમાં તો ઉતરપ્રદેશ કરતા સારી પરીસ્થિતિ છે. યોગી શાસન તો દર મહીને એક સમસ્યા લાવે છે પણ યોગી પર મોદી-શાહનો અંકુશ નથી. સીધું આરએસએસ જ યોગીને સુરક્ષા આપે છે તેથી જ યુપી સિવાયના રાજયોમાં પ્રયોગો થયા છે પણ ભાજપના સૂત્રો કહે છે કે ભુપેન્દ્ર પટેલના આગમન બાદ પણ વહેલી ચુંટણીની શકયતા નકારાતી નથી. કદાચ તેઓને નાઈટ વોચમેન તરીકે પસંદ થયા હોય અને પ્રદેશના પરિણામો સાથે જ રાજયમાં ફરી ચુંટણી આવી શકે છે. સ્વતંત્ર નિરીક્ષકો માને છે કે અગાઉ જે રીતે કોંગ્રેસમાં બનતું હતું.

ઈન્દીરાના નામે જ ચુંટણી લડાતી હતી અને રાજયના મુખ્યમંત્રી નબળા પડતા ગયા અને તેને કોંગ્રેસની આ હાલત થઈ છે. સામાન્ય રીતે નવા મુખ્યમંત્રીનું નામ ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ નકકી કરે છે અને ધારાસભ્યો તેમને સમર્થન આપે છે પણ દિલ્હીમાં ભાજપનું પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળી કે કેમ અથવા વર્ચ્યુઅલી મળી હોવા અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતએ ભલે 26 બેઠકોનું રાજય છે પણ તે મોદી-શાહનું હોમ સ્ટેટ છે તેથી જ તે મહત્વનું બની રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement