કાલાવડના નિકાવા પાસે આવેલા ઉંડ-4 ડેમના પાળામાં લીકેજ : ભયજનક સ્થિતિ સર્જાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાયા બાદ હાલ બધું નિયંત્રણમાં

13 September 2021 09:44 PM
Jamnagar Rajkot Saurashtra
  • કાલાવડના નિકાવા પાસે આવેલા ઉંડ-4 ડેમના પાળામાં લીકેજ : ભયજનક સ્થિતિ સર્જાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાયા બાદ હાલ બધું નિયંત્રણમાં

જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અનેક પ્રયત્નો બાદ પણ લીકેજ પર કંટ્રોલ ન થતા ભયજનક સ્થિતિ ઉદભવેલી : વરસાદ અટકી જતા અને ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા અધિકારીઓ-કર્મચારીઓની ભારે જહેમત બાદ સ્થિતિ કંટ્રોલમાં આવેલી : જોકે હજુ પણ હેઠવાસના ગામોને એલર્ટ રખાયા છે

રાજકોટઃ
કાલાવડના નિકાવા પાસે આવેલા ઉંડ-4 ડેમના પાળામાં લીકેજ સર્જાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ હતી જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલા ઉંડ-૪ ડેમ માં ભારે વરસાદ પડવાથી ડેમના પાળામાં લીકેજ સર્જાયું હતું. જેથી સિંચાઈ વર્તુળના અધિકારી દ્વારા જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરાઈ હતી. આ ચેતવણીમાં જણાવાયું હતું કે, પાળામાં લીકેજ સર્જાયા બાદ મોરમ(માટી)ની બેગોનો ઉપયોગ કર્યા પછી અને મિકેનિકલ મશીનોથી લીકેજ બંધ કરવા પ્રયત્ન કરાયો હતો છતાં લીકેજ કાબુ બહાર હોય અને નિયંત્રણ બહાર હોય તુરંત હેઠવાસના નિકાવા, પાતા મેઘપર અને ખડ ધોરાજીના કાંઠા વિસ્તારમાં પગલાં લેવા જણાવાયું હતું. પરંતુ વરસાદ વરસતો અટકી જતા અને ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા હાલ સ્થિતિ કન્ટ્રોલમાં છે.

ઉંડ-4 ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર હાર્દિક પીપળીયાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે, 'જ્યારે બપોરથી લઈ સાંજ સુધીમાં વરસાદ વરસી રહ્યો હતો તે સમયે આ લીકેજ સર્જાયો હતો. અમારી ટીમે મોરમની બેગોથી લીકેજ અટકાવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ રાજકોટથી મિકેનિકલ મશીનો મંગાવી લીકેજ અટકાવવા પ્રયત્ન કરાયો હતો. જોકે હાલ ડેમની કુલ સપાટી 126.50 ફૂટે છે. અને દોઢ ફૂટનો ઓવરફ્લો છે, છતાં સ્થિતિ નિયંત્રણમાં છે. કારણ કે, ઉપરવાસમાંથી પાણીની આવક અટકી ગઈ છે. જેથી હજુ પણ અમે હેઠવાસના ગામોને સાવચેત રહેવા અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement