રાજકોટ : વહેલી સવારે કાર સાથે તણાયેલા ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો રાત સુધીમાં કોઈ પતો નથી : NDRFની ટીમને હજુ કાર પણ નથી મળી

13 September 2021 10:30 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : વહેલી સવારે કાર સાથે તણાયેલા ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો રાત સુધીમાં કોઈ પતો નથી : NDRFની ટીમને હજુ કાર પણ નથી મળી
  • રાજકોટ : વહેલી સવારે કાર સાથે તણાયેલા ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો રાત સુધીમાં કોઈ પતો નથી : NDRFની ટીમને હજુ કાર પણ નથી મળી
  • રાજકોટ : વહેલી સવારે કાર સાથે તણાયેલા ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો રાત સુધીમાં કોઈ પતો નથી : NDRFની ટીમને હજુ કાર પણ નથી મળી

આણંદપર-છાપરા નજીક આવેલા બેઠા પુલ પર ઘટના બની હતી, પેલીકન ગ્રુપના કિશન શાહ અને તેમના ડ્રાઈવરને શોધવા સવારથી ઓપરેશન ચાલુ છે, પરંતુ રાત સુધીમાં પતો ન લાગતા એનડીઆરએફ-ફાયરબ્રિગેડ સહિતનો સ્ટાફ શોધખોળમાં લાગ્યો છે

રાજકોટઃ
રાજકોટમાં ગઈકાલે સવારથી લઈ આજે બપોર સુધી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, ત્યારે અનેક જગ્યાએ વાહનો ફસાયાના અહેવાલો પણ મળ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારે શહેરની ભાગોળે આવેલા આણંદપર-છાપરા ગામ વચ્ચે આવેલા બેઠા પુલ પાસે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ કરતી નામાંકિત કંપની પેલિકન ગ્રુપના માલિક અને ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ સાથે કાર તણાવા લાગતાં ત્રણ પૈકી એકને બચાવી લેવાયા હતા જ્યારે ગ્રુપના માલિક અને ડ્રાઈવર લાપત્તા થઈ જતાં તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે હજુ રાત સુધી ચાલુ છે, પરંતુ હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પતો લાગ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ પેલિકન ગ્રુપના માલિક કિશનભાઈ શાહ (ઉ.વ.50), તેમના ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિઓ વહેલી સવારે આઈ-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. આ પાંચેય લોકો જ્યારે આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. આ વેળાએ ડ્રાઈવરે આગળ જવાની ના પાડવા છતાં કિશનભાઈ શાહે કાર હંકારવા કહ્યું હતું જેના કારણે કારમાં બેઠેલા બે વ્યક્તિઓ ત્યાં જ ઉતરી ગયા હતા. ત્યારબાદ ડ્રાઈવરે કાર હંકારી મુકી હતી આ વેળાએ ધસમસતા પ્રવાહમાં કાર તણાવા લાગી હતી જેથી ત્યાં ઉપસ્થિત લોકોએ કારના કાચ ખોલીને એક વ્યક્તિને બચાવી લીધી હતી પરંતુ કિશનભાઈ શાહ અને તેમના ડ્રાઈવર કાર સાથે પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતાં બન્ને લાપત્તા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ જિલ્લા કલેકટર તંત્રને થતા એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમો દોડાવાઈ હતી. આ ટીમોએ પાણી ખુંદવાનું શરૂ કર્યું હતું પરંતુ કોઈ મળી આવ્યું નહોતું. આ તરફ ઘટનાની જાણ થતાં કિશનભાઈના ભાઈ વિજયભાઈ, કોંગી અગ્રણી ડો.હેમાંગભાઈ વસાવડા તેમજ સગા - સંબંધીઓ અને આગેવાનો દોડી ગયા હતા. એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ભારે જહેમત બાદ પણ રાત્રે 10 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ કિશનભાઈ, તેમના ડ્રાઇવરનો કોઈ પતો નથી. એટલું જ નથી તેમની કાર પણ હજુ મળી આવી નથી. શોધખોળ કરતા અધિકારીઓનું અનુમાન છે કે હવે પાણી ઓસરી ગયા બાદ જ કોઈ પતો લાગે તેમ છે.


Related News

Loading...
Advertisement
Advertisement