સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ વરસાદનો બ્રેક: ભારે તારાજી, સર્વે શરૂ

14 September 2021 11:27 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ વરસાદનો બ્રેક: ભારે તારાજી, સર્વે શરૂ

રાજકોટ-જામનગર-જુનાગઢ-પોરબંદર જીલ્લાઓમાં અતિભારે વરસાદથી વ્યાપક નુકશાન

હજુ વરસાદી આગાહીથી એલર્ટ યથાવત: એનડીઆરએફની અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢમાં 1-1, જામનગરમાં 3, તથા રાજકોટમા 2 ટીમો તૈનાત

રાજકોટમાં 266, જામનગરમાં 180 સહીત 545 વિજ થાંભલા ધરાશાયી: 145 ગામોમાં અંધારપટ, અનેક માર્ગો સતત બીજા દિવસે બંધ: રસ્તાનું ધોવાણ-ડામર ઉખડી ગયા

રાજકોટ તા.14
રાજકોટ, જામનગર, જુનાગઢ જેવા જીલ્લાઓને ધમરોળતા બાદ મેઘરાજાએ વિરામ લેતા આંશીક રાહત થઈ છે.જાનમાલની વ્યાપક નુકશાનીનો પ્રાથમીક સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે હજુ વરસાદની આગાહી યથાવત હોવાના કારણોસર તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રીક મેઘસવારી વચ્ચે રાજકોટ,જામનગર તથા જુનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે. રાજકોટમાં શહેર ઉપરાંત લોધીકા, ધોરાજી જેવા ભાગોમાં 20 ઈંચથી વધુના અતિભારે વરસાદને કારણે જળ બંબાકારની હાલત સર્જાઈ હતી.

લોધીકા તથા ગોંડલ પંથકમાં ડૈયા, હડમતાળા સહીતનાં ગામોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેંકડો લોકોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. જામનગર તાલુકા તથા કાલાવડ પંથકમાં 27 ઈંચ સુધીના બેફામ વરસાદથી વ્યાપક તારાજીની આશંકા છે. મોડીરાતથી વરસાદ અટકતા તંત્ર તથા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જામનગર-રાજકોટમાં જીલ્લા પંચાયત તથા કલેકટર તંત્રના સુત્રોએ કહ્યું કે, તમામ તાલુકા મામલતદારોને જાનમાલની નુકશાનીનો પ્રાથમીક રીપોર્ટ આપવા કહેવાયુ છે અને તે અંતગર્ત સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.રાજકોટ જીલ્લામાં વરસાદી દુર્ઘટનામાં સતાવાર મૃત્યુઆંક એક છે

જયારે ત્રણ વ્યકિત લાપતા છે પશુઓનાં પણ મોત છે. ડૈયા સહિતના ગામડાઓમાં ફસાયેલા લોકોને બોટ મારફત બહાર કાઢીને સુરક્ષીત સ્થળોએ આશરો અપાયો હતો. જામનગર જીલ્લામાં એરફોર્સ દ્વારા હેલીકોપ્ટરથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજીત 50 લોકોને બચાવાયા હતા. ભારે વરસાદ પુરથી માર્ગ અને વિજ ક્ષેત્રે પણ વ્યાપક નુકશાન થયુ છે. અનેક રસ્તા ધોવાઈ જતાં બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર ડામરના પોપડા ઉખડી ગયા છે. આ ઉપરાંત વિજ તંત્રને નુકશાન છે. જામનગરનાં 85, રાજકોટના 23 તથા પોરબંદરનાં 25 સહીત 145 ગામડાઓમાં અંધારપટ છે.

વિજ પુરવઠો ખોરવાયો છે. 545 થાંભલાઓ ધરાશાયી નુકશાનીગ્રસ્ત થયા છે. રાજકોટના 266 તથા જામનગરના 180 થાંભલાનો કચ્ચરઘાણ વળ્યો છે. આ ઉપરાંત જુદા જુદા જીલ્લાનાં 445 ફીડર બંધ છે. તેમાં સૌથી વધુ જામનગર જીલ્લાનાં 153 ફીડર બંધ છે. દરમ્યાન સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારો અસરગ્રસ્ત હોવા છતા ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામા આવી જ છે.અમરેલીમાં એનડીઆરએફની એક, ભાવનગરમાં એક, બોટાદમાં એક, ગીર સોમનાથમાં એક, જુનાગઢમાં એક, જામનગરમા 3 અને રાજકોટમાં બે ટીમોને તૈનાત કરવામાં આવી છે. વધુ વરસાદની આગાહીથી એલર્ટ યથાવત છે.


Related News

Loading...
Advertisement
Advertisement