સૌરાષ્ટ્રમાં હરખની હેલી: શેત્રુંજી, ન્યારી સહિત 38 ડેમો ઓવરફલો

14 September 2021 11:30 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં હરખની હેલી: શેત્રુંજી, ન્યારી સહિત 38 ડેમો ઓવરફલો
  • સૌરાષ્ટ્રમાં હરખની હેલી: શેત્રુંજી, ન્યારી સહિત 38 ડેમો ઓવરફલો
  • સૌરાષ્ટ્રમાં હરખની હેલી: શેત્રુંજી, ન્યારી સહિત 38 ડેમો ઓવરફલો

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા શેત્રુંજીનાં તમામ 59 દરવાજા ખોલી નંખાયા: 17 ગામોને એલર્ટ: રાજકોટનાં આજી-1 છલકાવા આડે દોઢ અને ભાદર-1 છલકાવા આડે 4॥ ફુટનું છેટુ: રાજકોટનું લાલપરી પણ છલકાયુ: મોરબીનાં મચ્છુ-1માં 10.79 ફુટ નવા નીરની ધીંગી આવક

રાજકોટ તા.14
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવતા કલાકોમાંજ પાણીનો પ્રશ્ર્ન હલ થઈ ગયો છે અને જળાશયો ચિકકાર કરી દીધા છે. આથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છવાઈ ગઈ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી, ગીર સોમનાથ જિલ્લાનો હિરણ સહિત સૌરાષ્ટ્રનાં 38 ડેમો તેની નિર્ધારિત સપાટી વટાવી ગયા છે અને હાલ ઓવરફલો થઈ રહ્યા છે.

ભાવનગરનાં શેત્રુંજી ડેમ અંગે પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ભાવનગરના પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ હોય ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ 4 દિવસ પહેલા જ ઓવરફલો થઈ ગયો હતો. દરમિયાન ઉપર વાસમાં સારો વરસાદ પડતાં શેત્રુંજય ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના તમામ 59 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા.

ઉપરવાસમાંથી 1800 કયુસેક પાણીની આવક ચાલુ રહેતા આજે સવારે ડેમના તમામ 59 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા છે. 34 ફુટની છલક સપાટી ધરાવતો શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે અને ભાવનગર શહેરને પીવાનું પાણી અને જિલ્લાના ખેડુતોને ખેતી માટે પાણી પુરું પાડે છે. દરમ્યાન રાજકોટ સિંચાઈ વર્તુળનાં ફલડ ક્ધટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં ન્યારી-1-2 સહિત 16 ડેમો હાલ ઓવરફલો થઈ રહ્યા છે. જિલ્લાનાં જે ડેમો ઓવરફલો થઈ રહ્યા છે તેમાં ન્યારી 1-2 ઉપરાંત મોજ, ફોફળ, વેણુ-2, આજી 2-3, સોડવદર, ડોંડી, વાછપરી, વેરી, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી 1-2 અને ભાદર-2નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની જીવાદોરી સમાન આજી-1 અને ભાદર-1 ડેમમાં પણ ઉપરવાસનાં સારા વરસાદથી નવા નીરની જોરદાર આવક થઈ છે અને આજી-1 છલકાવા આડે હવે દોઢ ફુટનું અને ભાદર-1 છલકાવા આડે માત્ર 4॥ ફુટનું છેટુ રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન આજી-1માં 9 ફુટ નવા નીર આવ્યા છે અને ભાદર-1માં 6॥ ફુટ નવું પાણી ઠલવાયું છે. 34 ફુટે છલકાતો ભાદર-1માં હાલ 29.50 ફુટે સપાટી પહોંચી છે અને આજી-1ની સપાટી 27.60 ફુટે પહોંચી છે. ભાદર 80 ટકાથી વધુ ભરાઈ ગયો છે અને આજી-1 91 ટકા ભરાઈ ગયો છે. દરમ્યાન મોરબી જિલ્લામાં બંગાવડી અને મચ્છુ-3 ડેમ પણ ઓવરફલો થઈ રહ્યો છે. જયારે મોરબીનાં મચ્છુ-1 માં છેલ્લા 24 કલાક દરમ્યાન 10.79 ફુટ નવા નીરની ધિંગી આવક થઈ છે અને મચ્છુ-1ની સપાટી 32.90 ફુટે પહોંચી છે.

જયારે, મચ્છુ-2માં એક ફુટ અને ડેમી-1-2માં 6॥ ફુટ નવું પાણી આવેલ છે. દરમ્યાન જામનગરનાં 21 પૈકી 16 ડેમો પણ ઓવરફલો થઈ રહ્યા છે. જેમાં પન્ના, ફુલઝર-1, સપડા, ફુલઝર-2, વિજરખી, ફોફળ-2, ઉંડ-3, આજી-4, રંગમતી, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, ફુલઝર (કો.બા.), રૂપારેલ અને ઉમીયાસાગરનો સમાવેશ થાય છે તથા જામનગરનાં સસોઈમાં 24 કલાક દરમ્યાન 12॥ ફુટ નવું પાણી આવેલ છે અને ડેમ છલકાવા આડે માત્ર પોણો ફુટનું છેટુ છે તેમજ દ્વારકા જિલ્લાનાં કાબરકા અને વર્તુ-2 ડેમ પણ છલકાઈ ગયા છે તથા પોરબંદરનો સોરઠી ડેમ પણ ઓવરફલો થઈ જવા પામ્યો છે.

જળાશયોનો જળવૈભવ: સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી છલકાયો: આજીમાં પાણીના હીલોળા : કુદરતના કરીશ્માએ એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં પાક પાણીનું ચિત્ર ફેરવી નાખ્યુ છે.રાજકોટ-જામનગર-જુનાગઢમાં અતિભારે સહીત સાર્વત્રીક વરસાદથી જળાશયોમાં નવા પાણીની જોરદાર આવક છે.સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો છે. રાજકોટના આજી ડેમમાં પણ ભરપુર આવક થતા હવે છલકાવાને થોડુ જ છેટુ છે જળવૈભવ જોવા લોકો ઉમટયા હતા. (તસવીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement