હવે હિમાચલમાં નેતૃત્વ પરિવર્તન! મુખ્યમંત્રીને દિલ્હી બોલાવાયા

14 September 2021 11:32 AM
India Politics
  • હવે હિમાચલમાં નેતૃત્વ પરિવર્તન! મુખ્યમંત્રીને દિલ્હી બોલાવાયા

આગામી વર્ષે ચૂંટણીમાં જઈ રહેલા રાજયોમાં નેતૃત્વ પરિવર્તનનો દોર

હજું ગત સપ્તાહે જ દિલ્હી જઈ આવેલા જયરામને રાતોરાત બોલાવાયા: આજે જે.પી.નડ્ડાને મળશે: રાજીનામાની ચર્ચા

નવી દિલ્હી: ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ હવે ભાજપ મોવડીમંડળે હિમાચલપ્રદેશને ટાર્ગેટ બનાવ્યું છે. હિમાચલમાં પણ આગામી વર્ષે ગુજરાતની સાથે જ ધારાસભા ચૂંટણી છે અને ભાજપ મોવડીમંડળે હવે રાજયના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરને દિલ્હી બોલાવ્યા છે.

તેઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને તેનાથી હવે હિમાચલમાં પણ નેતૃત્વ પરિવર્તનની ચર્ચા શરુ થઈ છે અને રાજયમાં જોરદાર અફવા છે કે જયરામનું રાજીનામું આપી રહ્યુ. હજુ શ્રી જયરામ ગત બુધવારે જ દિલ્હીમાં હતા અને છેક મોડીરાત્રીના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાએ તેમને મુલાકાત આપી હતી અને બાદમાં તેઓ ઉજજૈન સહિતના મંદિરોના દર્શને ગયા હતા તથા છેક રવિવારે સિમલા પરત ફર્યા હતા. ત્યાં જ ફરી તેમને હાઈકમાન્ડનું તેડું આવી ગયું છે.

તેઓ આજે બપોર બાદ શ્રી જે.પી.નડ્ડાને મળશે. રાજયમાં ધારાસભાની બેઠકની પેટાચૂંટણી આવી રહી છે અને હિમાચલમાં ભાજપના પાંચ મુખ્યમંત્રી અત્યાર સુધીના શાસનમાં બદલાયા છે અને તેથી જયરામ ઠાકુર પર જોખમ વધી ગયુ છે.

ભાજપે ગુજરાત બાદ હિમાચલ અને હવે મધ્યપ્રદેશ તથા હરિયાણામાં પણ નેતૃત્વ પરિવર્તનની ચર્ચા છે અને બન્ને રાજયોમાં પણ રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ નવી કેડર તૈયાર કરવા જઈ રહ્યો છે અને તેથી જ આ હિલચાલ શરુ થઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement