ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવી અસંભવ: રમીઝ રાજા

14 September 2021 11:58 AM
Sports
  • ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવી અસંભવ: રમીઝ રાજા

રાજકારણની રમત ઉપર ખરાબ અસર પડી રહી છે: ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારત સામે સમીકરણ બદલશે

નવીદિલ્હી, તા.14
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના નવનિયુક્ત પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું કે ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવી અત્યારે અસંભવ લાગી રહી છે અને આ માટે ઉતાવળ પણ કરી શકાય નથી કેમ કે અત્યારે પાકિસ્તાનનું ધ્યાન દેશના ઘરેલું ક્રિકેટ માળખા ઉપર ટકેલું છે. 59 વર્ષીય પૂર્વ કેપ્ટન રમીઝ રાજાની સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે સોમવારથી જ પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.

રમીઝ રાજાએ સ્વીકાર્યું કે પીસીબીનું પ્રમુખપદ ક્રિકેટની સૌથી મુશ્કેલ ભૂમિકાઓ પૈકીનું એક છે. આ બહુ મોટો પડકાર છે અને વડાપ્રધાન ઈમરાન ખાને મને આ જવાબદારી સોંપતાં પહેલાં તમામ પાસાઓ ચકાસ્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાવાની સંભાવના અંગે પૂછતાં રમીઝે કહ્યું કે અત્યારે આ અસંભવ છે કેમ કે રાજકારણને કારણે રમત ઉપર ખરાબ અસર પડી છે અને અત્યારે આ સ્થિતિ ઠેરની ઠેર જ છે.

અમે આ મુદ્દે ઉતાવળ પણ નહીં કરીએ કેમ કે અમને ઘરેલું અને સ્થાનિક ક્રિકેટ ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર લાગે છે. રમીઝે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડી અને લાહોરમાં રમાનારી શ્રેણી દરમિયાન ડીઆરએસની સુવિધા નહીં હોવાને કારણે નિરાશા પણ વ્યક્ત કરી છે. રમીઝે કહ્યું કે ડીઆરએસના આ મુદ્દેથી ખબર પડે છે કે ક્યાંક ગરબડ છે અને હું તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીશ. ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા મેચ અંગે કહ્યું કે જ્યારે હું ટીમને મળ્યો ત્યારે મેં તમામ ખેલાડીને કહ્યું હતું કે આ વખતે સમીકરણ બદલવા જોઈએ અને આ મેચ માટે ટીમે 100% આપવું પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement