નિકાસ કરવામાં આવતાં પશુઓના બોગસ હેલ્થ સર્ટિફિકેટો ઈસ્યૂ કરનાર અંજારના તત્કાલીન સરકારી પશુ ચિકિત્સક સામે ફરિયાદ નોંધાવી

14 September 2021 02:59 PM
kutch Crime
  • નિકાસ કરવામાં આવતાં પશુઓના બોગસ હેલ્થ સર્ટિફિકેટો ઈસ્યૂ કરનાર અંજારના તત્કાલીન સરકારી પશુ ચિકિત્સક સામે ફરિયાદ નોંધાવી

એનિમલ વેલ્ફેર બોર્ડની કમીટીની કાર્યવાહીથી ફફડાટ

ભુજ, તા. 14
કચ્છના તુણા બંદરેથી નિકાસ થતાં સંખ્યાબંધ ઘેટાં-બકરાંની તબીબી ચકાસણીમાં ગેરરીતિ આચરી એક જ દિવસમાં સંખ્યાબંધ બોગસ હેલ્થ સર્ટીફિકેટો જારી કરનારાં અંજારના તત્કાલિન સરકારી પશુ ચિકિત્સક ડો.આર.ડી. પટેલ વિરુધ્ધ કેન્દ્રના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલય હેઠળની એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયાની ઈન્સ્પેક્ટીંગ કમિટિના સભ્ય કમલેશ શાહે પટેલ વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવતાં ભ્રષ્ટ સરકારી બાબુઓમા ફફડાટ ફેલાયો છે.

ડો.પટેલે વર્ષ 2016માં એક જ દિવસમાં મોટી સંખ્યામાં પશુઓને ચકાસ્યાં હોવાના બોગસ સર્ટીફીકેટો બનાવી, એક જ નંબરના એકથી વધુ પ્રમાણપત્રો આપી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. કમલેશ શાહના જણાવ્યા અનુસાર અબોલ જીવોની નિકાસ પૂર્વે સરકારી નિયમો મુજબ તેમના સ્વાસ્થ્યના પ્રમાણપત્ર રજૂ કરવાના હોય છે. અંજારના તત્કાલીન પશુચિકીત્સક ગેરરીતિ કરતાં હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળ્યાં બાદ તપાસ કરતાં તેમની ગેરરીતિ બહાર આવી હતી.

પટેલે 04-09-2016ના રોજ 12547, 05-09-2016ના રોજ 12503, 10-12-2016ના રોજ 654, 19-12-2016ના રોજ 1991 અને 12-04-2017ના રોજ 513 પશુઓના બોગસ હેલ્થ સર્ટીફિકેટ ઈસ્યૂ કર્યાં હતા.આ મામલે જે-તે સમયે રાજ્યના પશુપાલન વિભાગને પગલાં લેવા રજૂઆત કરાઈ હતી પરંતુ પશુપાલન વિભાગે કોઈ પગલાં ના લેતાં અંતે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કર્યા બાદ,નામદાર હાઈકોર્ટના દિશા-નિર્દેશ બાદ તેમણે પટેલ સામે આઈપીસી 417, 418, 420, 465, 468 અને 471 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આર.ડી. પટેલ હાલ મુંદરામાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement