કચ્છમાં ધીમીધારે મેઘમહેર: દોઢથી બે ઇંચ

14 September 2021 03:04 PM
kutch Crime
  • કચ્છમાં ધીમીધારે મેઘમહેર: દોઢથી બે ઇંચ

ભચાઉ નવા બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા: રાપરમાં વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો

ભુજ, તા. 14
એકતરફ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે સચરાચર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા કચ્છમાં એકથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રણપ્રદેશમાં ગોરંભાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે અંજાર,રાપર, મુન્દ્રામાં વરસાદી ઝાપટા પગલે વિવિધ વિસ્તારમાં એકથી દોઢ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું.સૌરાષ્ટ્ર-કચ્છને જોડતાં સામખીયાળીમાં તેમજ કાંઠાળ વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

અંજાર શહેરમાં દોઢ ઈંચ તથા રાપર શહેરમાં ચાર ઇંચ બાદ ફરી સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભચાઉ શહેરમાં સતત બીજા દિવસે 43 મિ.મી. વરસાદ વરસતા નવા બનેલા બસસ્ટેશનમાં બે બે ફૂટના ખાડા પડી જતાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં રાત્રે વેગીલા વાયરા વચ્ચે વીજળીના ડરામણા ચમકારા સાથે જોરદાર વરસાદી ઝાપટુ પડતા શહેરના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા હતા.

છેલ્લા 24 કલાક દરમ્યાન અંજારમાં 35, રાપરમાં 30, ગાંધીધામ-15, ભુજમાં 22, નખત્રાણા-12, ભચાઉ 43, મુન્દ્રા-11, માંડવી 13 તથા લખપત તાલુકામાં 5 મી.મી. વરસાદ પડયો તેમજ આ તમામ તાલુકાના ગામડાઓમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના મોટાભાગના વિસ્તારોમાં આગામી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement