બોલ માડી અંબે: ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે

14 September 2021 04:54 PM
Ahmedabad Gujarat
  • બોલ માડી અંબે: ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે

20મીએ ઉજવાનારી ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય પણ દર્શન માટે મંદિરે શરૂ કરી તૈયારી: દર્શનનાં સમયમાં પણ કરાયો વધારો: ભક્તોમાં આનંદ

રાજકોટ, તા.14
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી દર વર્ષે ભાદરવી પૂનમે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જતાં હોય છે અને અહીં હૈયે હૈયું દળાઈ જાય તેટલી માનવ મેદની માટે મેળાનું આયોજન થતું આવ્યું છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે મેળાને રદ્દ કરવામાં આવ્યો છે પરંતુ મા અંબાના ભક્તો માટે ખુશીના સમાચાર એ છે કે ભાદરવી પૂનમે તેઓ અંબાજી મંદિરમાં જઈને સાક્ષાત્ મા અંબાના દર્શન કરી શકશે.

આ વર્ષે 20 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ ઉજવવામાં આવશે તે પહેલાં જ દર્શન માટે મંદિર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં ભક્તોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે જાણવા મળ્યા પ્રમાણે અંબાજી મંદિરના દેવસ્થાન મંદિર દ્વારા તમામ ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને કોઈ ભાવિક દર્શન વગર ન રહી જાય એટલા માટે મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય પરંતુ ભાવિકોને દર્શનનો જરૂર લાભ મળશે તેવી જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે કોરોનાને કારણે દર્શનાર્થે આવતાં ભાવિકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન સહિતના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. એકંદરે ભક્તો મંદિરમાં આવીને દર્શન કરી શકશે તેવી જાહેરાત થતાં જ આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.


Related News

Loading...
Advertisement
Advertisement