રાજકોટે 9 વર્ષ બાદ ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોયું: 2013માં એક જ દિ’માં પડ્યો’તો 19 ઈંચ વરસાદ

14 September 2021 06:50 PM
Rajkot
  • રાજકોટે 9 વર્ષ બાદ ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોયું: 2013માં એક જ દિ’માં પડ્યો’તો 19 ઈંચ વરસાદ

25-9-2013થી 26-9-2013ના સાંજે 6 વાગ્યા સુધીમાં રાજકોટમાં નોંધાયો હતો 19 ઈંચ (475 મીમી) વરસાદ: જો કે ત્યારે આજી સિવાય તમામ ડેમ થઈ ગયા હતા ઓવરફ્લો; આ વખતે ન્યારી-1 જ છલોછલ

રાજકોટ, તા.14
છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સાથે સંતાકુકડી રમી રહેલા મેઘરાજાએ અચાનક જ પલટી મારીને એક જ દિવસમાં મન મુકીને વરસી જતાં રાજકોટની હાલત ખરાબ થઈ જવા પામી હતી.

બીજી બાજુ રાજકોટ શહેરે 9 વર્ષ બાદ ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોતાં તેમને 2013માં એક જ દિવસમાં પડેલા સૌથી વધુ વરસાદની યાદ તાજી થઈ જવા પામી હતી. આજથી 9 વર્ષ પહેલાં એટલે કે 25-9-2013થી 26-9-2013ના સાંજે 6 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 475 મીમી મતલબ કે 19 ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદ પડ્યા બાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ 1194 મીમી એટલે કે 45 ઈંચ નોંધાઈ ગયો હતો

જ્યારે આ વર્ષે 1063 મીમી એટલે કે 42.50 ઈંચ પાણી પડ્યું છે. આ ઉપરાંત નવ વર્ષ પહેલાં એક જ દિવસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં પીવાના પાણીની સ્થિતિ પણ કંઈક અલગ જ હતી કેમ કે ત્યારે આજી-1 ડેમ સિવાયના તમામ ડેમ એટલે કે ભાદર, ન્યારી-1, લાલપરી અને રાંદરડા તળાવ સહિતના જળસ્ત્રોત છલોછલ થઈ ગયા હતા અને આજી-1 ડેમને ઓવરફ્લો થવામાં 0.60 ફૂટનું છેટું હતું. આ વખતે ન્યારી-1 ડેમ સિવાયના તમામ જળાશયોને છલોછલ થવામાં બહુ છેટું રહ્યું નથી પરંતુ છલોછલ ભરાયા પણ નથી તે પણ નોંધવું રહ્યું.

2013માં વરસાદ પડ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે અજય ભાદૂ કાર્યરત હતા અને તેમણે આખી રાત જાગીને તમામ વિસ્તારોમાં ટીમ દોડાવ્યે રાખી હતી અને પોતે પણ ફિલ્ડમાં રહ્યા હતા. જ્યારે આ વખતે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પણ વરસાદને પગલે મનપાના સ્ટાફને ફિલ્ડમાં રાખ્યો હતો તો પોતે પણ ખડેપગે રહ્યા હતા. નવ વર્ષ પહેલાં આજી ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાને પગલે તેની આસપાસના આઠ જેટલા વિસ્તારોમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આ રીતે 2580 જેટલા લોકોને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement