માંગરોળમાં સવારે બારેમેઘ ખાંગા; બે કલાકમાં પાંચ ઈંચ

14 September 2021 06:59 PM
Junagadh
  • માંગરોળમાં સવારે બારેમેઘ ખાંગા; બે કલાકમાં પાંચ ઈંચ

સોરઠમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: નદીઓ ગાંડીતુર: ખેતરો પાણી પાણી

જુનાગઢ જિલ્લામાં 24 કલાકમાં 19 ઈંચ: આંબાજળ, ધ્રાફડ, આણંદપુર સહિત ત્રણ ડેમ ઓવરફલો: નદીઓમાં ઘોડાપુર: અનેક ગામો બેટમાં ફેરવાયા: સવારથી બપોરના બે કલાક સુધીમાં એકથી પાંચ ઈંચ વરસાદ: ગાજવીજ સાથે મેઘમહેર

જુનાગઢ તા.14
જુનાગઢ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારના 8થી બપોરના 2 કલાક સુધીમાં વધુ 1થી5 ઈંચ વરસાદ વરસી રહ્યો છે. સવારે માંગરોળમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા માંગરોળ પંથક જળબંબોળ બન્યો હતો. ખેતરો અને માર્ગોમાં પાણી ભરાયા હતા સાથે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. આજે પણ જુનાગઢમાં મેઘાવી માહોલમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

સોરઠ જીલ્લામાં આજે 3જા દિવસે પણ મેઘસવારી અવિરતપણે ઉતરી આવી છે. આજે બપોરના 12થી2 દરમ્યાન બે કલાકમાં જુનાગઢમાં બે ઈંચ વધુ વરસાદ ખાબકયો છે. સવારથી બપોર સુધીમાં કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભેસાણમાં પણ બપોરના 12થી2 વચ્ચે એક ઈંચ બે કલાકમાં નોંધાયો હતો. કેશોદમાં પણ સવારથી બપોરના બે દરમ્યાન સવાચાર ઈંચ વરસાદ ખાબકતા ગામડાઓ બેટમાં ફેરવાયા છે. મેંદરડામાં પણ વધુ એક ઈંચ વરસાદ પડયો હતો.

માળીયાહાટીના ખાતે 4 મી.મી. વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ માંગરોળમાં સવારે બે કલાકમાં પાંચ ઈંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ધ્રાફડ ડેમ પણ 100 ટકા ભરાઈ જતા ઓવરફલો થઈને ધસમસતા પુર સાથે વહી રહ્યો છે. નીચાણવાળા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. બાંટવા ખારા ડેમ ત્રણ દિવસથી ઓવરફલો થઈને વહી રહ્યો છે. તેમની નીચાણવાળા ગામ કોડવાવ (કોટનાથ) સમેગા, રેવદ્રા (કુતિયાણા) ગઢવાણા, તરસાઈ સહીતના ગામડાઓને તાકીદ કરી દેવાયા છે.

બાંટવા ખારા ડેમના ત્રણ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. કુલ 16 દરવાજાઓમાંથી વધુ દરવાજાઓ પણ ખોલવાની તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ઓઝત વીયર વંથલીના કુલ 12 દરવાજામાંથી 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જુનાગઢનો આણંદપુર ડેમ જે જુનાગઢનો સૌથી મોટો ડેમ ગણાય છે તે પણ સો ટકા ઓવરફલો થતાં ઘોડાપુર પાણી વહી રહ્યા છે. કેરાળા ગામે ઉબેણ નદી ઉપર બાંધવામાં આવેલ ઉબેણ ડેમ પણ 100 ટકા ઓવરફલો થઈને વહી રહ્યો છે. વંથલીનો ઓઝત શાપુર અને જુનાગઢનો ઓઝત-2 99 ટકા ભરાઈ જવા પામ્યો છે. ગમે ત્યારે ઓવરફલો થવાની તૈયારીમાં છે. જેના 25 દરવાજામાંથી 6 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.


Loading...
Advertisement
Advertisement