આર.કે.ગ્રુપના વધુ 3 બેંક લોકર ખુલ્યા: જવેલરી મળી

14 September 2021 07:04 PM
Rajkot
  • આર.કે.ગ્રુપના વધુ 3 બેંક લોકર ખુલ્યા: જવેલરી મળી

ઈન્કમટેકસે સીલ કરેલા 25 બેંક લોકર ખોલવાનું શરૂ કર્યું: વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યાનો નિર્દેશ: જવેલરીની વેલ્યુએશન પ્રક્રિયા હાથ ધરાઈ

રાજકોટ તા.14
રાજકોટમાં આવકવેરા ખાતાએ હાથ ધરેલા દરોડા ઓપરેશનમાં 300 કરોડથી અધિકના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કર્યા બાદ હવે સીલ કરેલા લોકરો ખોલવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમાંથી વધુ દલ્લો હાથ લાગવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

આવકવેરા ખાતાનાં વિશ્ર્વાસપાત્ર સુત્રોએ જણાવ્યું છે કે 40 થી વધુ સ્થળોએ દરોડા કાર્યવાહી આટોપી લેવાયાના દસેક દિવસ બાદ હવે લોકર ખોલવાનું શરૂ કરાયું છે. તંત્ર દ્વારા 25 લોકર સીલ કરવામાં આવ્યાનું ઉલ્લેખનીય છે તંત્ર દ્વારા જુદી જુદી ટીમોને મોકલવામાં આવી હતી. એકથી વધુ લોકર આજે જ ખોલવામાં આવે તેવા સંકેતો છે. આ પૂર્વે તંત્ર દ્વારા એક સહકારી બેંકનું લોકર ખોલવામાં આવ્યું હતું. તેમાંથી ત્રણેક કરોડ આસપાસની રકમ મળી હોવાનું ઉલ્લેખનીય છે.

બિલ્ડર ગ્રુપનાં બેંક લોકરોમાંથી વધુ માત્રામાં રોકડ, જવેલરી તથા રીયલ એસ્ટેટનાં વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશન દ્વારા પખવાડીયા પૂર્વે ટોચના રીયલ એસ્ટેટ ગ્રુપ એવા આર.કે.બીલ્ડર જુથ પર મેગા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 40 થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા.

આર.કે.ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી તથા તેમના પરિવાર ઉપરાંત તેઓ સાથે વ્યવસાયીક સંબંધો ધરાવતા બીલ્ડરો કોન્ટ્રાકટરો પ્રફુલ ગંગદેવ, રમેશ પાંચાણી, કિંજલ ફળદુ, આશીષ ટાંક, વગેરેને નિશાન બનાવવામાં આવ્યા હતા. છ કરોડથી અધિકની રોકડ, બે કરોડની જવેલરી, ઉપરાંત થેલા ભરીને મિલકત વ્યવહારો દર્શાવતાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.25 બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા તે હવે ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

માહિતગાર સુત્રોએ કહ્યું કે આજે ત્રણ બેંક લોકરો ખોલવામાં આવ્યા હતા. તેમાંથી દસ્તાવેજો ઉપરાંત જવેલરી મળ્યા છે.જવેલરીનાં વેલ્યુએશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.તબકકાવાર વધુ બેંક લોકરો ખોલવામાં આવશે.નિયમાનુસાર બે માસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement