શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી: સોશિયલ મીડિયા પર આપી જાણકારી

14 September 2021 09:48 PM
India
  • શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી: સોશિયલ મીડિયા પર આપી જાણકારી

શ્રીલંકા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ધૂમ મચાવી ચુકેલા ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ તમામ પ્રકારના ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું

નવી દિલ્હીઃ
શ્રીલંકાના મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી20 ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ટેસ્ટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. મલિંગા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે અને આ લીગનો સૌથી સફળ બોલર છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. યોર્કર અને સ્લો બોલ ફેંકવામાં માહિર મલિંગા ક્યારેક પોતાની બેટિંગથી પણ વિરોધી ટીમને ચોંકાવી દેતો હતો.

આઈપીએલમાં 122 મેચ રમી ચુકેલા મલિંગાએ 170 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ છે. પાછલા વર્ષે તેણે શ્રીલંકા માટે ટી20 વિશ્વકપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ ટાળી દેવામાં આવી હતી.

શ્રીલંકાએ આ વર્ષે યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી, જેમાં મલિંગાને સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રીલંકાના પસંદગીકારોએ આ વખતે દસુન શનાકાને ટીમની કમાન સોંપી છે. મહત્વનું છે કે મલિંગાએ પોતાની બોલિંગ અને આગેવાનીમાં શ્રીલંકાને 2014માં ટી20 વિશ્વકપનું ટાઇટલ અપાવ્યું હતું.

શ્રીલંકાના સ્ટાર બોલરના કરિયર પર નજર કરીએ તો મલિંગાએ 30 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેના નામે 101 વિકેટ છે. મલિંગાએ 226 વનડે મેચમાં 338 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 38 રન આપી 6 વિકેટ છે. તો મલિંગાએ 83 ટી20 મેચમાં 107 વિકેટ પોતાના નામે કરી છે. મલિંગાએ 2007ના ટી20 વર્લ્ડકપમાં પ્રથમ વખત હેટ્રિક લીધી હતી. જ્યારે 2011મા કેન્યા સામે અને ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં હેટ્રિક લીધી હતી. 2018માં તેણે બાંગ્લાદેશ સામે ટી20માં હેટ્રિક લીધી હતી. જ્યારે 2019માં ન્યૂઝિલેન્ડ સામે ચાર બોલમાં ચાર વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.મલિંગાએ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ પોતાના કરિયરમાં બે વખત મેળવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement