છાપરા પાસે કાર સાથે તણાયેલા યુવાન શ્યામ ગોસ્વામીનો ચાર દિવસ બાદ પણ કોઈ પતો નથી

16 September 2021 06:54 PM
Rajkot Crime
  • છાપરા પાસે કાર સાથે તણાયેલા યુવાન શ્યામ ગોસ્વામીનો ચાર દિવસ બાદ પણ કોઈ પતો નથી

સોમવારે ઘટના બન્યા બાદ મંગળવારે પેલિકનના કંપનીના માલિક કિશનભાઈ શાહનો કાર સાથે મૃતદેહ મળ્યો હતો પણ ડ્રાઈવર શ્યામનો પતો ન લાગતા હજુ શોધખોળ ચાલુ છે

રાજકોટ, તા.16
સોમવારે ડોંડી નદીમાં બેઠા પૂલ પરથી કાર પાણીમાં તણાઈ હતી. જેમાં ત્રણ લોકો તણાયા હતા. આ ઘટના વખતે જ એક વ્યક્તિનો બચાવ થયેલો જ્યારે મંગળવારે બપોરે કાર સાથે પેલિકન કંપનીના માલિક કિશનભાઈ (વિપુલભાઈ) જમનાદાસ શ્રીમાંકર (શાહ) (ઉ.વ.50)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે કંપનીના ડ્રાઈવર શ્યામ મહેશગીરી ગોસ્વામીનો ઘટનાના ચાર દિવસ બાદ પણ કોઈ પતો ન મળતા એન.ડી.આર.એફ.ની ટીમ હજુ શોધખોળ કરી રહી છે.

કાર તણાઈ હતી તે દરમિયાન એક લીમડાના ઝાડ સાથે અથડાતા કાર સવાર સંજયભાઈ બોરીચા કારનો પાછલો દરવાજો લાત મારીને ખોલીને બહાર નીકળી ગયા હતા અને લીમડા પકડી લેતા તેઓનો જીવ બચી ગયો હતો. જ્યારે શ્યામભાઈ ગોસ્વામી પણ કારની બહાર નિકળી ગયા હતા પરંતુ તેઓ પૂરમાં તણાઈ ગયા હતા. આ ઘટના બાદ એન.ડી.આર.એફ. અને નેવીની ટીમે બન્નેની શોધખોળ હાથ ધરતા છેક મંગળવારે બપોરે ઘટનાસ્થળથી 500 મીટર દૂરથી કાર કાદવમાં ખુંપેલી મળી હતી.

ક્રેનની મદદથી કાર બહાર કાઢી તપાસ કરતા કારમાંથી કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાદ શ્યામ ગોસ્વામીનો મૃતદેહ ન મળતા એન.ડી.આર.એફ.એ સર્ચ ઓપરેશન હાથ ધરેલું પરંતુ શ્યામનો આજ બપોર સુધીમાં કોઈ પતો લાગ્યો નથી. શ્યામનો પરિવાર રૈયા રોડ વિસ્તારમાં રહે છે અને તે અપરણિત છે. તેની ઉંમર આશરે 20 વર્ષ છે. યુવાન પુત્રનો ચાર દિવસથી કોઈ પતો ન લાગતા ગોસ્વામી પરિવારમાં ચિંતા છવાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement