સેન્સેકસની છલાંગ: છેલ્લા 9 માસથી દર મહિને 1000 પોઈન્ટ વધ્યો

17 September 2021 11:19 AM
Business India
  • સેન્સેકસની છલાંગ: છેલ્લા 9 માસથી દર મહિને 1000 પોઈન્ટ વધ્યો

માત્ર ઘરઆંગણે જ નહીં, વિશ્વસ્તરે પણ વધતો ભારતીય માર્કેટનો દબદબો

જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં 9000 પોઈન્ટથી વધુનો ઉછાળો: ફ્રાંસને પાછળ રાખીને વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ શેરબજાર બની ગયુ

રાજકોટ તા.17
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી રોકેટગતિએ આગળ ધપી રહી છે. રોજેરોજ નવા શિખર સર થવા લાગ્યા છે. ચાલુ 2021ના વર્ષમાં જ સેન્સેકસ 9000 થી અધિક પોઈન્ટ ઉંચે ચડયો છે એટલે દર મહીને સરેરાશ 1000 પોઈન્ટની તેજીનો ઘાટ ઘડાયો છે. આ સાથે ભારતીય શેરબજાર ફ્રાંસથી પણ આગળ નિકળી ગયું છે અને વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ શેરમાર્કેટ બન્યુ છે.

કોરોનાકાળ વચ્ચે પણ ભારતીય શેરબજારે તેજીમાં પાછુ વાળીને જોયુ નથી. સતત નવી-નવી ઉંચાઈ હાંસલ થઈ રહી છે. અર્થતંત્રનો સારો આશાવાદ છે. હવે આર્થિક ઉદારીકરણની દિશામાં નવા-નવા કદમથી તેજીને વધુ બળ મળતુ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં સરકારે ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે. ટેલીકોમ- ઓટો ઉદ્યોગને રાહત આપી છે. ઉપરાંત બેડબેંક માટેની નાણાંકીય ફાળવણી કરી છે.

આવતા દિવસોમાં સરકારી કંપનીઓના ડીસઈન્વેસ્ટમેન્ટ સહિતના વધુ પગલાઓ આવી શકે છે. જેને પગલે માર્કેટ વધુને વધુ જોરમાં આવતુ રહ્યું છે. મહત્વની વાત એ છે કે કેટલાંક દિવસોથી વિદેશી નાણાં સંસ્થાઓ પણ ચિકકાર નાણા ઠાલવવા લાગી છે.

મુંબઈ શેરબજારના સેન્સેકસમાં તેજીની રેકોર્ડબ્રેક દોડ છે. ઈતિહાસમાં પ્રથમ વખત 59000ની સપાટી પાર કરી ગયો છે. હવે 60000ના માર્ગે દોડશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. 2021ના જાન્યુઆરીથી સેન્સેકસ 9000 પોઈન્ટથી અધિક વધી ગયો છે. નવ મહિનાના આ સમયગાળામાં ઈન્વેસ્ટરોને સરેરાશ 23 ટકાથી વધુનું રીટર્ન મળ્યું છે. જયારે માર્કેટકેપમાં 35 ટકાથી અધિકમાં વધારો નોંધાયો છે.

શેરબજારના નિષ્ણાંતોના કથન મુજબ ભારતીય અર્થતંત્ર પર સ્થાનિક તથા વિદેશી ઈન્વેસ્ટરોનો વિશ્વાસ વધ્યો છે અને તેનું પરિણામ વર્તમાન તેજી છે. રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભારતીય શેરબજાર વિશ્વસ્તરે પણ ક્રમાંકની દોડ લગાવી રહ્યું છે. હવે ફ્રાંસને પાછળ રાખી દીધું છે અને દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટુ શેરબજાર બની ગયું છે. ભારતીય માર્કેટનું માર્કેટ કેપીટલાઈઝેશન 3.4055 અરબ ડોલર થયુ છે તે ફ્રાંસથી વધુ છે.

શેરબજારની અસામાન્ય તેજી વિશે સેબી તથા રિઝર્વ બેંક વખતોવખત લાલબતી ધરતા રહ્યા હતા. હવે સેબીના વડા અજય ત્યાગીએ એમ કહ્યું કે ઈન્વેસ્ટરોના રોકાણ તથા કંપનીઓના નાણાં એકત્રીત કરવાના વિશ્વસનીય પ્લેટફોર્મના જોરે છેલ્લુ દોઢ વર્ષ શેરબજારના નામે રહ્યું છે.

વિશ્વના સૌથી મોટા શેરબજારના ક્રમાંક
દેશ માર્કેટકેપ - (અરબ ડોલર)
અમેરિકા - 51.30
ચીન - 12.42
જાપાન - 7.43
હોંગકોંગ - 6.52
બ્રિટન - 3.68
ભારત - 3.4055
ફ્રાંસ - 3.4023

2021ની શેરબજારની ઉડાન
11 જાન્યુ. - 50000ને પાર
5 ફેબ્રુઆરી - 51000ને પાર
15 ફેબ્રુઆરી - 52000ને પાર
22 જુન - 53000ને પાર
4 ઓગષ્ટ - 54000ને પાર
13 ઓગષ્ટ - 55000ને પાર
18 ઓગષ્ટ - 56000ને પાર
31 ઓગષ્ટ - 57000ને પાર
3 સપ્ટેમ્બર - 58000ને પાર
16 સપ્ટેમ્બર - 59000ને પાર


Related News

Loading...
Advertisement
Advertisement