રોહિતને હટાવવાની જિદ્દ કોહલીને ભારે પડી ! ખેલાડીઓ સાથેનો વ્યવહાર પણ નડ્યો

17 September 2021 11:39 AM
Sports
  • રોહિતને હટાવવાની જિદ્દ કોહલીને ભારે પડી ! ખેલાડીઓ સાથેનો વ્યવહાર પણ નડ્યો

રોહિતને હટાવવાનો કોહલીનો પ્રસ્તાવ ક્રિકેટ બોર્ડને બિલકુલ પસંદ નહોતો પડ્યો; ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે ખેલાડીઓ માટે તેનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો, કોહલીને મેદાન બહાર સાધવો અત્યંત મુશ્કેલ બની ગયું હતું

કેપ્ટન તરીકે રોહિત લગભગ નિશ્ચીત, વાઈસ કેપ્ટન માટે પંત, રાહુલ, બુમરાહ રેસમાં

નવીદિલ્હી, તા.17
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. કોહલીની કેપ્ટનશીપને લઈને ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ તેણે અચાનક ટવીટર પર સુકાનીપદ છોડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.

કોહલીના ટવીટ બાદ ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે આ અંગેનું એલાન કર્યું હતું પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ બધા પાછળનું કારણ શું છે ? શા માટે કોહલીએ અચાનક કેપ્ટનશીપ છોડવી પડી ? અહેવાલોનું માનીએ તો કોહલીનો વ્યવહાર આ પાછળ સૌથી વધુ જવાબદાર છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટ સાથે ટીમના ખેલાડીઓને સંવાદની મોટી સમસ્યા હતી. મહેન્દ્રસિંહ ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે તેનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો હતો અને કોઈ પણ ખેલાડી અંદર જઈ શકતો હતો.

તેની સાથે વીડિયો ગેમ રમી શકતો હતો, ભોજન લઈ શકતો હતો અને જરૂર પડ્યે ક્રિકેટ વિશે પણ વાતચીત કરી શકતો હતો. જો કે કોહલી બિલકુલ અલગ જ છે અને મેદાન બહાર તેની સાથે સંપર્ક કરવો અત્યંત મુશ્કેલ કામ બની જાય છે ! એવી પણ ચર્ચા છે કે કોહલીએ પસંદગી કમિટી સામે પ્રસ્તાવ મુક્યો હતો કે રોહિતને વાઈસ કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવે. કોહલીનું કહેવું હતું કે રોહિતની ઉંમર 34 વર્ષ છે એટલા માટે તેને હટાવીને કોઈ યુવાને જવાબદારી સોંપાવી જોઈએ.

કોહલી ઋષભ પંત અથવા લોકેશ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવા માંગતો હતો. જો કે બોર્ડને કોહલીની આ રીત બિલકુલ પસંદ આવી નહોતી. તેનું માનવું હતું કે કોહલી અસલમાં ઉત્તરાધિકારી ઈચ્છતો જ નથી. કોહલીએ પદ છોડ્યા બાદ રોહિત શર્મા ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે તે વાત લગભગ નિશ્ચીત છે. જો કે પંત, રાહુલ અને બુમરાહ વાઈસ કેપ્ટનના દાવેદાર બની શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ જો આઈપીએલ ચેમ્પિયન બને છે તો પંતની દાવેદારી વધુ મજબૂત બની જશે. બીજી બાજુ રાહુલને પણ નકારી શકાય તેમ નથી કેમ કે તે પણ આઈપીએલનો કેપ્ટન છે. એટલું જ નહીં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ છૂપો રુસ્તમ સાબિત થઈ શકે છે.

ટીમ ઈન્ડિયાના ભવિષ્યને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય: ગાંગૂલી
સ્ટાર બેટસમેન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ ટીમની કમાન છોડવાનું એલાન કરીને સૌને આશ્ર્ચર્યમાં મુકી દીધા છે. કોહલીના આ નિર્ણય બાદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલીએ કહ્યું કે ભવિષ્યના રોડમેપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંગૂલીએ કહ્યું કે કોહલી ભારતીય ક્રિકેટ માટે એક સાચી સંપત્તિની જેમ છે અને તેણે શાનદાર નેતૃત્વ કર્યું છે. તે તમામ ફોર્મેટના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક છે. અમે કોહલીને આગામી વર્લ્ડકપ અને તેનાથી આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવીએ છીએ અને આશા રાખીએ કે તે ભારત માટે રન બનાવતો જ રહેશે.

હવે કોહલીની વન-ડે કેપ્ટનશીપ ઉપર પણ ખતરો
આવતાં મહિને વિશ્વકપ બાદ કોહલી ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન નહીં રહે. જો કે હવે એવા સંકેતો પણ મળી રહ્યા છે કે કોહલીએ વન-ડે ફોર્મેટમાંથી પણ કેપ્ટન તરીકે હાથ ધોવા પડી શકે છે. કોહલીએ ભલે કહ્યું કે તે ટેસ્ટ અને વન-ડેમાં કેપ્ટન તરીકે યથાવત રહેશે પરંતુ અત્યારે કોઈ સ્પષ્ટ કહી શકે તેમ નથી કે ભારતમાં 2023માં રમાનારા વિશ્વકપમાં કોહલી જ કેપ્ટન હશે. કામનો બોજને કારણે ટી-20 કેપ્ટનશીપ છોડવાનું કારણ બિલકુલ સ્વીકાર્ય છે પરંતુ જો 2023 સુધી ભારતના કાર્યક્રમને જોવામાં આવે તો વિશ્વકપ ઉપરાંત ટીમે લગભગ 20 દ્વિપક્ષીય ટી-20 મેચ જ રમવાના છે. ક્રિકેટ બોર્ડ જો નજીકના ભવિષ્યમાં કોહલી પાસેથી 50 ઓવરની કેપ્ટનશીપ પણ લઈ લ્યે તો તે આશ્ર્ચર્યચકિત નહીં હોય. ટી-20 વિશ્વકપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ કોહલીને 50 ઓવરના ફોર્મેટમાં પણ વિશુદ્ધ બેટસમેન તરીકે ઉતરવું પડી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement