વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિન: દેશભરમાં સેવાકાર્યોથી ઉજવણી

17 September 2021 01:48 PM
Gujarat India Politics World
  • વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિન: દેશભરમાં સેવાકાર્યોથી ઉજવણી

વડાપ્રધાન પર દેશ-વિદેશમાંથી શુભેચ્છાનો ધોધ: રાષ્ટ્રપતિ કોવિંદ -કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુભકામના પાઠવી

1.50 કરોડથી અધિક લોકોને કોરોના રસી આપીને નવો રેકોર્ડ સર્જવાનો ટારગેટ: આરોગ્ય કેમ્પથી માંડીને શ્રેણીબદ્ધ સેવા-સમર્પણ કાર્યો

નવી દિલ્હી તા.17
ભારત જ નહીં વિશ્વસ્તરે લોકપ્રિયતાને ઉંચો ગ્રાફ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે દેશવિદેશમાંથી અભિનંદન-શુભેચ્છાનો ધોધ રહ્યો છે. ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં અનેકવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને ભાજપ દ્વારા દેશભરમાં સેવા અને સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે દેશભરમાં ખાસ કોરોના રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે દેશમાં કોરોનાની સૌથી વધુ રસી આપવાનો રેકોર્ડ બનવાની શકયતા છે. આજે દોઢ કરોડથી વધુ લોકોને કોરોનાનો પ્રથમ કે બીજો ડોઝ આપીને પાર્ટીએ દેશમાં એક દિવસના સૌથી વધુ રસીકરણનો ટારગેટ બાંધ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં 76 કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.

71 વર્ષીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સંખ્યાબંધ રેકોર્ડ છે. સૌથી વધુ વખત વડાપ્રધાનપદે રહેનારા પ્રથમ બીન કોંગ્રેસી નેતા છે. વડાપ્રધાન તરીકે તેઓએ આજે 7 વર્ષ અને 113 દિવસ પૂર્ણ કર્યા છે. સતત બે ચુંટણી જીત સાથે પુર્ણ બહુમતી ધરાવતી બીન કોંગ્રેસી સરકાર રચવાનો રેકોર્ડ પણ તેમના નામે જ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન નરેન્દ્ર મોદી પર અમેરિકાએ પ્રવેશ પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ 2014માં વડાપ્રધાન બન્યા બાદ અમેરિકાએ દરવાજા ખોલવા પડયા છે અને તેઓએ અત્યાર સુધીમાં સાત વખત પ્રવાસ કરી લીધો છે આગામી 24મી સપ્ટેમ્બરે તેઓ 8મી વખત અમેરિકાનો પ્રવાસ કરશે.

વડાપ્રધાન મોદીના જન્મદિનને ધ્યાને રાખીને ભાજપ દ્વારા સેવા-સમર્પણ અભિયાન અંતર્ગત દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ભાજપના આરોગ્ય સેવા દ્વારા 17થી20 સુધી સ્વાસ્થ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મોરચા દ્વારા રકતદાન શિબિર રાખવામાં આવી છે. અનુસૂચિત મોરચા દ્વારા ગરીબોને ફળ તથા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અનાથાશ્રમો તથા વૃદ્ધાશ્રમોમાં સેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. કિસાન મોરચા દ્વારા 71 ખેડુતો તથા 71 જવાનોને સન્માનીત કરવામાં આવ્યા છે.

દરમ્યાન 71માં જન્મદિવસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્ર મોદી ઉતમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય મેળવે તેવી શુભકામના પાઠવી હતી.ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથે પણ વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવતા એમ કહ્યું કે અંત્યોદયથી આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરી રહેલા નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીરામની કૃપાથી દીર્ઘાયુ તથા શ્રેષ્ઠ આરોગ્ય સાંપડે તેવી શુભેચ્છા છે. આજીવનમાં ભારતની સેવા કરવાની તક સાંપડે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવીટ મારફત નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement