ગુજરાતમાં 72.86 ટકા વરસાદ વરસી ગયો

17 September 2021 01:59 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 72.86 ટકા વરસાદ વરસી ગયો

150 તાલુકામાં વરસાદ; વ્યાપ વધ્યો, માત્રા ઘટી : જાંબુઘોડામાં સાડા ત્રણ ઈંચ: મધ્ય ગુજરાતમાં વ્યાપક મેઘસવારી: સૌથી વધુ 86.06 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં પડયો

રાજકોટ તા.17
ગુજરાતમાં ફરી વખત મેઘસવારીનો વ્યાપ વધ્યો હોય તેમ 150 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો.જોકે, વરસાદની માત્રા ઓછી થઈ હતી. સૌથી વધુ સાડા ત્રણ ઈંચ જાંબુઘોડા તથા જામખંભાલીયામાં પાણી વરસ્યુ હતું.

સ્ટેટ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 10-27 મીમી વરસાદ થયો હતો. સીઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ 611.99 મીમી થયો છે તે 72.86 ટકા થવા જાય છે. રાજયના માત્ર 12 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. 104 તાલુકામાં 10 થી 20 ઈંચ, 102 તાલુકામાં 20 થી 40 ઈંચ તથા 33 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થઈ ગયો છે.

ઝોનવાઈઝ વરસાદમાં સૌથી વધુ 86.06 ટકા સૌરાષ્ટ્રમાં, 73.41 મીમી દક્ષિણ ગુજરાતમાં, 61.92 ટકા મધ્ય ગુજરાતમાં 56.76 ટકા ઉતર ગુજરાતમાં તથા 75.02 ટકા કચ્છમાં નોંધાયો છે. ગુજરાતમાં હજુ એકાદ-બે દિવસ વરસાદનું જોર કે વરસાદી માહોલ રહેવાની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જીલ્લાનાં ધોલેરામાં સવા બે ઈંચ પાણી વરસ્યુ હતું.

આણંદ જીલ્લામાં અર્ધોથી અઢી ઈંચ, વડોદરા જીલ્લામાં અર્ધાથી બે ઈંચ, છોટા ઉદેપુરમાં અર્ધાથી અઢી ઈંચ વરસાદ હતો.પંચમહાલનાં જાંબુઘોડામાં ધોધમાર સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. અન્ય તાલુકાઓમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ હતો.મહીસાગર જીલ્લાનાં કડાણામાં તથા સંતરામપુરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. દાહોદનાં ફતેપુરમાં બે ઈંચ પાણી વરસ્યુ હતું.સૌરાષ્ટ્ર- ઉતર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે હળવા ઝાપટાથી માંડીને દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ કોરોધાકોડ હતો.


Related News

Loading...
Advertisement
Advertisement