મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

17 September 2021 02:56 PM
Morbi Crime
  • મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 17
મોરબીના જેતપર ગામે રહેતા યુવાને ગત તા.15 ના રોજ વહેલી સવારે ઝેરી દવા પી લીધી હતી જે યુવાનનું આજે તા.17 ના રોજ સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર ગામે રહેતા હિતેશભાઈ ઉર્ફે મુકેશભાઈ ધરમશીભાઈ દેત્રોજા નામના 22 વર્ષના યુવાને તેના ઘેર તા.15-9 ના વહેલી સવારે ઝેરી દવા પી લીધી હતી તેથી તેને મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા બે દિવસની ટૂંકી સારવાર બાદ આજે તા.17-9 ના રોજ સવારના સારવાર દરમિયાન રાજકોટ ખાતે હિતેશ ઉર્ફે મુકેશ ધરમશીભાઇ દેત્રોજા (ઉમર 22 ) નામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક હિતેશ દેત્રોજા જેતપર ગામે બાબુભાઈ હમીરપરાને ત્યાં રહેતો હતો. બાબુભાઈને સંતાનમાં ચાર દિકરીઓ છે જેના લગ્ન થઇ ગયા છે અને તેમના પત્નીનું અવસાન થયા બાદ બાબુભાઇએ બીજા લગ્ન કર્યા હોય તેમની સાથે તેમના પુત્ર તરીકે મૃતક હિતેશ દેત્રોજા બાબુભાઈ હમીરપરાની સાથે રહેતો હતો.તા.15-9 ના રોજ વાડીએથી પરત આવ્યા બાદ હિતેશ (મુકેશ) ધરમશીભાઇ દેત્રોજાએ ઉપરોક્ત અંતિમ પગલુ ભરી લેતાં તેનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું છે અને તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા તપાસ ચલાવી રહ્યા છે.હાલ બનાવના કારણે અંગે પોલીસ સૂત્રો કે મૃતકના પરિવારજનો પાસેથી કોઈ વિગત મળેલ નથી.

મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલા શિવાય મિનરલ્સ નામના યુનિટ નજીક રહીને મજૂરીકામ કરતા બહાદુરભાઇ મહેતાબભાઇ ભાંભર નામના 40 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ 25 વારિયા વિસ્તારમાં રહેતા રશ્મિબેન રવજીભાઈ સોલંકી નામની 45 વર્ષીય મહિલાને તેના પુત્રએ માર મારતા રશ્મિબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના સમલી ગામે રહેતો ખુમાનસિંહ હંસરાજભાઈ લીંબડ નામનો 46 વર્ષનો યુવાન નીચીમાંડલથી પરત સમલી ગામે જતો હતો ત્યારે આંદરણા ગામના પુલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા માથાના તેમજ મોઢાના ભાગે ઇજાઓ થવાથી ખુમાનસિંગ લીંબડને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદના રહેવાસી કેશુબેન પરસોતમભાઈ પુરાણી નામના 60 વર્ષીય વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ખાનગી બસે તેમને હડફેટમાં લેતા કેશુબેનને મોરબીની આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા.

વૃદ્ધ સારવારમાં
મૂળ મધ્યપ્રદેશના થાવરીયાના રહેવાસી હડીયાભાઇ ગરવાલ નામના 76 વર્ષીય વૃદ્ધ પગપાળા જતા ત્યારે રિક્ષાચાલકે તેમને હડફેટે લેતા અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે રહેતો ચેતન પંકજભાઇ પનારા નામનો 25 વર્ષનો યુવાન દુકાનેથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયેલા ચેતનને અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement