ગીર સોમનાથનો હિરણ-2 ડેમ ઓવરફલો થતા પાંચ લાખ પ્રજાનું જળસંકટ દૂર થયું

17 September 2021 03:10 PM
Veraval
  • ગીર સોમનાથનો હિરણ-2 ડેમ ઓવરફલો થતા પાંચ લાખ પ્રજાનું જળસંકટ દૂર થયું

વેરાવળ તા.17
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભરપુર નવા નીરની આવકના પગલે ગઇ કાલે સાંજે ડેમ ઓવરફલો થયેલ હતો. જેથી હાલ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમ ઓવરફ્લો થઇ ગયાના પગલે પાંચ લાખની પ્રજા અને હજારો ખેડૂતો ઉપર ત્રણ દિવસ પૂર્વે મંડરાતુ જળસંકટ દુર થતા ખુશીની લાગણી પ્રર્વતેલ છે. વેરાવળ-સોમનાથ તથા તાલાલા ગીર પંથકમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોંચી ગયેલ ત્યાં સુઘી મેઘરાજા મન મુકીને વરસ્યા ન હોવાથી ત્રણેય પંથકના નદી - નાળા તથા પીવાના પાણીના સ્ત્રોતો એવા ડેમોના તળીયા દેખાવવા લાગતા જળસંકટની ભીતી ઉભી થઇ હતી. સોમનાથ પંથકના જોડીયા શહેર વેરાવળ-પાટણ અને ગ્રામ્ય વિસ્તારના 80 ગામોની પાંચ લાખની પ્રજા તથા બે ઉઘોગો, સોમનાથ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ અને 6 હજાર હેકટર ખેતીની જમીનમાં પીયત માટે પાણી પુરૂ પાડતા જીલ્લાના સૌથી મોટા એવા હિરણ - 2 (ઉમરેઢી) ડેમ તળીયા ઝાટક થઇ ગયેલ હતો જેથી લાખો લોકો અને હજારો હેકટર ખેતીની જમીનના ખેડૂતોને પીવાના પાણી માટે હાડમારીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય હતી.છેલ્લા થોડા દિવસોથી ગીર જંગલ પંથક અને તાલાલા ગીર, વેરાવળ-સોમનાથમાં વરસેલ ઘોઘમાર વરસાદના પગલે હિરણ - 2 ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. આ સાથે ઉપરવાસમાં પણ પડેલ ભારે વરસાદનું પાણી નદી-નાળા મારફત ડેમમાં આવતુ હોય જેમાં પણ ઉતરોતર વઘારો થઇ રહયો હતો જેના પગલે હિરણ - 2 ડેમમાં ફકત 21 ફૂટ જેટલા નવા પાણીની આવક થઇ હતી. જેના પગલે ગઇ કાલે સાંજે ડેમ ઓવરફલો થઇ ગયો હતો. જેથી બપોરે 1-30 કલાકે ડેમ સંપૂર્ણ ભરાઇ જતા 2-30 કલાકે ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવેલ ત્યારબાદ બપોરે 3-30 કલાકે ડેમનું સાયરન વગાડી નદી કાંઠાના વિસ્તારોને આખરી ચેતવણી આપી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવેલ હોવાનું ડેમ અઘિકારી એન.બી.સિંઘલએ જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement