જામનગર જિલ્લામાં મેઘપ્રકોપ બાદ રોગચાળાની ભિતી

17 September 2021 03:29 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં મેઘપ્રકોપ બાદ રોગચાળાની ભિતી

જામનગર તા.17:
જામનગર જિલ્લામાં ઝંઝાવતી વરસાદે વિરામ લીધો છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારના લોકો અસ્તવ્યસ્ત છે. જાણે હવે જામનગર શહેર અને જિલ્લામાં વેદનાનું વાવાઝોડુ ફુંકાઇ રહ્યું છે. લોકોએ જાતે જ તંત્રની રાહ જોયા વગર સફાઇ અભિયાન હાથ ધરી દીધું છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક ખાના ખરાબીના અહેવાલો મળી રહ્યા છે. જામનગર શહેરમાં પણ ચાર વોર્ડની અંદર ખૂબ જ નુકશાન થયું છે. સફાઇ તંત્ર પણ ઝુંબેશ ચલાવી રહ્યું છે. જિલ્લામાં સેકડો હેકટર ઉભા પાકને ભારે નુકશાન થયું છે. હજારો હેકટર જમીનનું ધોવાણ થયું છે અનેક રસ્તાઓ, કોઝવે પૂરના પ્રવાહમાં તુટી ગયા છે અને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

મેઘરાજાએ ખમૈયા કરતા ખેડૂતોમાં અને તંત્રમાં હાશકારો થયો છે. સરકારની જુદી-જુદી ટીમો દ્વારા સર્વેનું કામ હાથ ધરી દેવાયું છે. પરંતુ હજુ અનેક ગામડાઓના ગ્રામજનો સહાયથી વંચિત બન્યા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ સહિતની સેવા કરવા જિલ્લામાં કાર્યરત બને છે. જો કે, હજી અનેક વિસ્તારો અનેક ગામડાઓના ઘરોમાં પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે. પરંતુ લોકોએ તંત્રની રાહ જોયા વગર જાતે જ પોતાના ઘરથી સફાઇ ઝુંબેશ હાથ ધરી છે. જો કે અનેક લોકોના ઘરોમાં ઘર વખરી સહિતનો માલ સમાન વરસાદના પૂરમાં તણાયો છે અને જે વધ્યો છે તે પલળી ગયો છે.

અનેક ઘરોમાં અનાજનો જથ્થો પણ પલળી ગયો છે. જેથી લોકોએ ભારે હૈયે અનાજનો જથ્થો રોડ ઉપર ફેંકી દેવો પડયો છે. આ ઉપરાંત વીજ ઉપકરણોને પણ ભારે નુકશાન થયું છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. બીજી તરફ પૂરના પાણીમાં પશુધન મૃત્યું પામેલા હોય જેથી મૃતદેહો ઠેર-ઠેર રજડી રહ્યા છે. મૃતદેહનો નિકાલ જો ઝડપથી નહી કરવામાં આવે તો રોગચાળો ફાટી નિકળશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ પશુઓના મૃતદેહથી ખૂબ જ દુર્ગંધો દૂર-દૂર સુધી ફેલાઇ રહી છે.

જામનગર શહેરમાં પણ અનેક વોર્ડમાં હજી વરસાદી પાણી અનેક ઘરોમાં ફરી રહ્યા છે. સાથે સાથે સફાઇનું તંત્ર પણ સફાઇ ઝુંબેશ ચલાવી રહ્યું છે. પરંતુ લોકોએ જાતે જ પોતાના ઘરમાંથી ગંદકી દૂર કરવા અભિયાન હાથ ધરી દીધું છે. વરસાદ રહી ગયો હોવાથી લોકોએ રાહત અનુભવી છે. પરંતુ જામનગર શહેર અને જિલ્લામાં આ પાણીના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત લોકો વ્યકત કરી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે.


Loading...
Advertisement
Advertisement