ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર

17 September 2021 03:36 PM
Jamnagar
  • ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર
  • ખંભાળિયા તાલુકામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર

ખાંભળિયા, તા. 17
ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસના મેઘ વિરામ બાદ ગઈકાલે ગુરૂવારે બપોર બાદ પુન: સવારી વરસી હતી અને સાંજે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.

ગઈકાલે ગુરુવારે સવારથી વાતાવરણમાં ઉઘાડ તથા સૂર્યનારાયણના દર્શન બાદ બફારા ભર્યા માહોલ વચ્ચે બપોરે ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને સાડા ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સાંજ સુધીમાં ભારે બાદ હળવા ઝાપટા રૂપે સાંજ સુધીમાં 83 મીમી પાણી વરસી ગયું હતું.

મુશળધાર વરસાદના પગલે તાલુકાના મોટા ભાગનાં જળાશયો તરબતર બન્યા છે. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં ગઇકાલ સુધીમાં નવા નીરની આવક થતાં ડેમની સપાટી સાડા દસ ફૂટ સુધી પહોચી છે. આ ઉપરાંત મહત્વના એવા જામનગર રોડ પરના સિંહણ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 851 મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કલ્યાણપુરમાં ઝાપટા રૂપે સાંજ સુધીમાં 17 મિલીમીટર તથા ભાણવડમાં 4 મીલીમીટર વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ગત સાંજથી મેઘરાજાએ સમગ્ર જિલ્લામાં વિરામ રાખ્યો છે.

આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ 850 મીમી (108.70 ટકા), કલ્યાણપુર તાલુકામાં 811 મીમી (98.07 ટકા), ભાણવડ તાલુકામાં 762 મીમી (108.39 ટકા) અને દ્વારકા તાલુકામાં 551 મીમી (108.68 ટકા) મળી જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 105.46 ટકા વરસી ગયો છે. જિલ્લાના કુલ 14 પૈકી 6 જળાશયો હાલ ઓવરફ્લો છે.


Loading...
Advertisement
Advertisement