પાકિસ્તાનનો વધુ એક ફજેતો: ન્યુઝીલેન્ડ ટીમે સુરક્ષાનું કારણ આપી અડધો કલાક પહેલાં મેચ કરાવ્યો રદ્દ

17 September 2021 03:40 PM
Sports
  • પાકિસ્તાનનો વધુ એક ફજેતો: ન્યુઝીલેન્ડ ટીમે સુરક્ષાનું કારણ આપી અડધો કલાક પહેલાં મેચ કરાવ્યો રદ્દ

રાવલપિંડીમાં બપોરે 3 વાગ્યે વન-ડે મેચનો ટોસ થાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમે રમવાનો કર્યો ઈનકાર: વડાપ્રધાન ઈમરાન ખાનની બેચેની વધી: ટીમ શ્રેણી રમ્યા વગર જ પાછી ફરશે

નવીદિલ્હી, તા.17
આજથી પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવાનો હતો. તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી અને ટોસ થાય તેની રાહ જોવાઈ રહી હતી. જો કે ટોસ પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમે સુરક્ષાનું કારણ આપીને મેચ રદ્દ કરાવી નાખતાં વિશ્ર્વ ક્રિકેટમાં પાકિસ્તાનનો જોરદાર ફજેતો થયો છે. વર્ષો બાદ ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી અને આજથી વન-ડે શ્રેણી પણ શરૂ થવાની હતી પરંતુ તે અચાનક જ રદ્દ થઈ જતાં વડાપ્રધાન ઈમરાન ખાનની બેચેની વધી જવા પામી હતી.

આ મેચ આજે બપોરે 3 વાગ્યે શરૂ થવાનો હતો અને મેચના અડધો કલાક પહેલાં મતલબ કે 2:30 વાગ્યે ટોસ થાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમના ખેલાડીઓએ મેદાન ઉપર ઉતરવાનો ઈનકાર કરી દેતાં મેચ રદ્દ કરવો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાં મેચ રમ્યા વગર જ પરત ફરી જશે. જો કે આ અંગે વડાપ્રધાન ઈમરાન ખાને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા ઓડર્સને ફોન કરીને પ્રવાસ યથાવત રાખવા માટે કાકલૂદી કરી હતી પરંતુ વાત બની નહોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં શ્રીલંકાની ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમ ઉપર થયેલા બોમ્બ ધડાકાની શરમજનક ઘટના બાદ કોઈ ક્રિકેટ ટીમ ત્યાંનો પ્રવાસ કરી રહી નથી. અહીં ઝીમ્બાબ્વે જેવી ટીમ જ પ્રવાસ ખેડી રહી હતી ત્યારે આજથી ન્યુઝીલેન્ડની ટીમ ત્યાં રમવા ગઈ હતી પરંતુ તેને સુરક્ષાનું જોખમ જણાતાં તેણે મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement