નો-રિપીટવાળા મંત્રીમંડળથી જામનગરમાં કહી ખુશી કહી ગમ

17 September 2021 03:52 PM
Jamnagar
  • નો-રિપીટવાળા મંત્રીમંડળથી જામનગરમાં કહી ખુશી કહી ગમ

જામનગર જિલ્લાને કૃષિ મંત્રાલય સાથે મોટી લેણાદેણી: શાપરિયા, ફળદુ બાદ રાઘવજી પટેલની કેબિનેટ મંત્રી તરીકે તાજપોશી: ગ્રામ્ય વિસ્તારની રિ-એન્ટ્રી અને જામનગર શહેરનું બ્રેકઅપ: આર.સી.ફળદુ અને હકુભા જાડેજા નો-રિપીટ થિયેરીને લીધે પડતા મુકાયા: શહેરના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા રાજકીય સમીકરણો ઉભા થવાની વ્યાપક શક્યતા

જામનગર તા.17
ગુજરાતના ગઇકાલે બનેલા નવા મંત્રીમંડળમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને ભૂ.પ. સરકારમાં કેબિનેટ કૃષિમંત્રીનો દરજ્જો મળ્યો છે તો બીજી તરફ શહેરના બંને ધારાસભ્યોનું મંત્રીપદ છિનવી લેવાયું છે. જો કે જામનગર જિલ્લાને કૃષિ મંત્રાલય સાથે જૂનો નાતો હોય તેમ છેલ્લી ત્રણ સરકારમાં કૃષિમંત્રી જામનગર જિલ્લાના બન્યા છે.

ગુજરાતમાં સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવતા વિજય રૂપાણીના આખેઆખા મંત્રીમંડળને વિખેરી નાંખીને ભાજપના હાઇકમાન્ડે એક ઐતિહાસિક નિર્ણય કરીને આખુ મંત્રીમંડળ જ ગઇકાલે નવું રચ્યું હતું. અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાતોરાત લોટરી લાગી હતી અને ગત્ રવિવારે મુખ્યમંત્રી બન્યા હતાં. આ પછી સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંડળની રચનાની લમણાજીક કરવામાં આવી હતી. ભાજપ હાઇકમાન્ડે ગમા-અણગમાની કે રાજકીય નુકસાનીની હાલ પુરતી પરવા કરવાનું છોડીને નોરિપીટ થિયેરી જાહેર કરી હતી અને રૂપાણી સરકારના તમામ મંત્રીઓની નવા પ્રધાનમંડળમાંથી બાદબાકી કરી તમામ નવા ચહેરાઓને પ્રધાનપદ આપવામાં આવ્યું હતું.

ગઇકાલે રચાયેલા નવા પ્રધાનમંડળમાં જામનગર શહેરનું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતા તત્કાલિન કૃષિ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ નોરિપીટ થિયેરીનો ભોગ બન્યા હતાં અને પ્રધાનપદ ગુમાવ્યું હતું. જામનગર જિલ્લાને પ્રતિનિધિત્વ આપવા માટે સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને હાલ જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાઘવજી પટેલને નવી સરકાર ફળી હતી અને આર.સી.ફળદુનું મુખ્યમ ખાતુ કૃષિ મંત્રાલય કેબિનેટ રેન્ક સાથે મળ્યું હતું. જો કે જામનગર શહેર હવે મંત્રી મંડળમાંથી નાબુદ થયું છે.

રાજ્યના કૃષિ મંત્રાલય હારે જામનગર જિલ્લાને અનોખો નાતો કે લગાવ હોય તેમ સતત ત્રીજી સરકારમાં કૃષિમંત્રીનું પદ જામનગર જિલ્લાને આપવામાં આવ્યું છે. ગઇકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કૃષિમંત્રી બન્યા છે. આ પહેલાં જામનગર શહેરના ધારાસભ્ય આર.સી.ફળદુ કૃષિમંત્રી હતાં અને તે પહેલાં આનંદીબહેનની સરકારમાં જામજોધપુરના તે વખતના ધારાસભ્ય ચિમનભાઇ સાપરિયા કૃષિમંત્રી પદ શોભાવતા હતાં. આમ જામનગર જિલ્લાને કૃષિમંત્રી પદ મળવાની ગઇકાલે હેટ્રીક થઇ હતી.

નવી સરકારના ગઠનથી જામનગર શહેર અને જિલ્લા ભાજપમાં કહીં ખુશી... કહીં ગમ... જેવો માહોલ જોવા મળ્યો છે. લોકોના પ્રશ્ર્ને સતત લડતા રાઘવજી પટેલને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મળ્યું તેથી ગ્રામ્યના મોટાભાગના ભાજપી કાર્યકરો ખુશ થયા છે તેમજ શહેરના પણ ઘણાં કાર્યકરોને આનંદ થયો છે. પરંતુ સાથોસાથ જામનગર શહેરના બન્ને ધારાસભ્યોની નવી સરકારમાં પ્રધાનમંડળમાંથી બાદબાકી થતાં શહેરના ઘણાં કાર્યકરો અને ખાસ કરીને આ બન્ને નેતાઓના ટેકેદારોમાં વસવસાની લાગણી પ્રવર્તી છે.

નવા પ્રધાનમંડળની રચના બાદ જામનગર શહેરના રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમિકરણો પણ ભાજપ હાઇકમાન્ડના આશીર્વાદથી ઉભા થઇ શકે છે અને તેને કારણે સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલ થશે તેમ મનાય છે.


Loading...
Advertisement
Advertisement