જામનગરના બન્ને પૂર્વમંત્રીઓ આજે મોદીના જન્મદિવસની ઉજવણીમાં જોડાયા

17 September 2021 03:52 PM
Jamnagar
  • જામનગરના બન્ને પૂર્વમંત્રીઓ આજે મોદીના જન્મદિવસની ઉજવણીમાં જોડાયા

જામનગર શહેરના દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય આર.સી.ફળદુ અને ઉત્તર વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીના આદેશને માથે ચડાવ્યો

જામનગર તા.17
ગુજરાતના રાજકારણમાં છેલ્લા છ દિવસમાં આવેલા આમુલ પરિવર્તનની હજુ ચોમેર ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને જામનગરના બન્ને ધારાસભ્યો કે જે રૂપાણી સરકારમાં મંત્રીપદ ભોગવતા હતાં તેઓને નવા મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ બન્ને મંત્રીઓ ભાજપની નેતાગીરીના વલણથી નાખુશ થશે અને નિષ્ક્રીય થશે તેવી ચાલતી અટકળોનો આજે અંત આવ્યો હોય તેમ આ બન્ને ધારાસભ્યો આજે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીના પાર્ટીના કાર્યક્રમમાં હસતા મોઢે હાજર રહ્યાં હતાં. જામનગરમાં આજે શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. હવન, વૃધ્ધાશ્રમમાં ફ્રૂટ વિતરણ અને નરેન્દ્ર મોદીના ચિત્રોના પ્રદર્શનના કાર્યક્રમોમાં આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા શરૂથી અંત સુધી હાજર જોવા મળ્યાં હતાં. આ બન્ને ધારાસભ્યોએ ઔપચારિક રીતે કાર્યકરો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તેને અમે સિરોમાન્ય ગણ્યો છે. અમે પક્ષના એક અદના કાર્યકર તરીકે તેમજ ખાસ કરીને શહેરના ધારાસભ્ય તરીકે લોકો માટે સતત કામ કરતા રહીશું.


Loading...
Advertisement
Advertisement