ભારે વરસાદને લઇને મહાનગરપાલિકાને અંદાજે રૂપિયા 4.10 કરોડનું નુકશાન

17 September 2021 03:53 PM
Jamnagar
  • ભારે વરસાદને લઇને મહાનગરપાલિકાને અંદાજે રૂપિયા 4.10 કરોડનું નુકશાન

ભુગર્ભ ગટર, પાણી પુરવઠા, રોડ, રસ્તા, કોઝવે સહિતના પ્રોજેકટને નુકશાન

જામનગર તા.17:
જામનગર શહેર અને જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પૂરના પાણીએ જામનગર મહાનગરપાલિકાને પ્રાથમિક સર્વે મુજબ રૂા.4.10 કરોડનું નુકશાન થયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં પૂરના પાણી અને વરસાદથી મહાનગરપાલિકાના અનેક વિકાસના કામોને નુકશાન પહોંચ્યું છે. શહેરીજનોની સાથે સાથે મહાનગરપાલિકાના પણ પ્રોજેકટોને નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સીટી એન્જિીનિયર જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે થયેલા નુકશાન અંગે પ્રાથમિક સર્વે દરમ્યાન શહેરના રસ્તાઓને રૂા.2 કરોડનું નુકશાન થયું હોવાનું જાહેર કરાયું છે. આ નુકશાનમાં કોઝવેને પણ આવરી લેવાયા છે.

આ ઉપરાંત ભુગર્ભ ગટર માટેના જે પમ્પીંગ સ્ટેશનો આવેલા છે આ પમ્પીંગ સ્ટેશનમાં પણ ખૂબ જ નુકશાન થયું છે. ઇલેકટ્રીક મોટરો અને ઇલેકટ્રીક સિસ્ટમ સહિત પમ્પીંગ મશીનરીને રૂા.1.10 કરોડનું નુકશાન થયું છે. જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વોટર વિભાગના જુદા-જુદા ઇએસઆર તેમજ ડેમ સાઇટ ઉપર અને ફીલ્ટર પ્લાન્ટ ઉપર પૂરના પાણીને લીધે ભારે નુકશાન થયું છે. જે અંગે પ્રાથમિક અહેવાલ મુજબ અંદાજે રૂા.25 લાખનું નુકશાનનો અંદાજ આપવામાં આવ્યો છે.

આ જ રીતે પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ વિભાગના જે પ્રોજેકટો ચાલી રહ્યા છે. તેવા પ્રોજેકટના કામોને અંદાજે રૂા.50 લાખનું નુકશાન થયું છે. આ ઉપરાંત ગાંધીનગર નજીક જે કચરામાંથી ઉર્જા બનાવવાના પ્લાન્ટને પણ નુકશાન થયું છે. જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં પુરના પાણીની પરિસ્થિતિને લઇને જે કચરો એકત્રી થયો છે અને સફાઇ કરવાની પણ વિશેષ આવશ્યકતા હોય આ માટે થઇને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા 20 જેસીબી અને 45 ટ્રેકટર દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે.

ઝુંબેશને વેગ આપવા અને ઝડપભેર સફાઇનું કામ હાથ ધરવા 10 જેસીબી અને 30 ટ્રેકટરની આવશ્યકતા છે. શહેરમાં પૂરના પાણી જે-જે વિસ્તારમાં ફરી વળ્યા છે તે તમામ વિસ્તારમાંથી સફાઇનું કામ કરતા અંદાજે 8 થી 10 દિવસનો સમય લાગશે. તેમ સીટી એન્જિીનિયર જોષીએ જણાવ્યું હતું.


Loading...
Advertisement
Advertisement