બેડેશ્વર સાંઢીયા પુલ પાસે કારે ઠોકર મારતા બાઇક સવાર યુવાનનું મોત

17 September 2021 03:55 PM
Jamnagar
  • બેડેશ્વર સાંઢીયા પુલ પાસે કારે ઠોકર મારતા બાઇક સવાર યુવાનનું મોત

અકસ્માત નિપજાવી કાર ચાલક નાશી ગયો: બાઇક ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

જામનગર તા.17: જામનગરમાં બેડેશ્ર્વર સાંઢીયા પુલ પાસે ગત રાત્રે પૂર ઝડપી દોડતી કારે મોટરસાયકલને ઠોકર મારતા એક યુવાનનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું હતું. જયારે અન્યને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત નિપજાવી નાશી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ સાંઢીયા પુલ નજીક સવા નવેક વાગ્યા આસપાસ કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પૂર ઝડપે દોડતી જી.જે.10 7869 નંબરની કાર એક મોટરસાયકલને ઓવરટેક કરી રહી હતી ત્યારે કારના ચાલકે મોટરસાયકલને ઠોકર મારી દઇ અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં મોટરસાયકલ પરથી ફંગોળાઇ ગયેલા જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.18) રહે મચ્છરનગર અને તેના મિત્ર જયપાલસિંહને ડાબા ખભાથી નીચે હૃદય નજીકના ભાગે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ જયપાલસિંહનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે સારવાર લીધા બાદ ઘવાયેલા બાઇક ચાલક જયરાજસિંહએ અકસ્માત નિપજાવી નાશી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ટ્રકને ઓવરટેક કરતી વેળાએ કાર ચાલકથી સ્ટ્રીયરીંગ પરનો કાબુ ફગી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સીટી બી ડિવિઝન પોલીસ દફતરના પી.એસ.આઇ યુ.કે.જાદવ સહિતના સ્ટાફે આ બનાવ અંગે વિધિવત તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement