રવિવારે ‘સપ્ત સંગીતિ’ના વર્ચ્યુઅલ મ્યુઝીક કોન્સર્ટમાં મૈહર ઘરાનાના કલાકાર પ્રતિક શ્રીવાસ્તવનું સરોદવાદન

17 September 2021 04:47 PM
Rajkot
  • રવિવારે ‘સપ્ત સંગીતિ’ના વર્ચ્યુઅલ મ્યુઝીક કોન્સર્ટમાં મૈહર ઘરાનાના કલાકાર પ્રતિક શ્રીવાસ્તવનું સરોદવાદન

તા.19ના રાત્રે 9 વાગે આ પ્રીમીયર શો સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ તથા યુ ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે

રાજકોટ, તા. 17
સપ્ત સંગીતિના માધ્યમથી ઉભરતા યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાને લોકો સન્નમુખ પ્રસ્તુત કરવા માટે મંચ પ્રદાન કરવાનો નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો નમ્ર પ્રયાસ છે. જુન મહિનાથી શરુ થયેલ આ મ્યુઝિક કોન્સર્ટમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી વાદ્ય અને ગાયનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવનાર યુવા કલાકારોને ડિજીટલ પ્લેટફોર્મથી લોકો ઘરબેઠા માણી રહ્યા છે. આગામી રવિવારે, તા. 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 09:00 કલાકે મૈહર ઘરાનાના યુવા કલાકાર પ્રતિક શ્રીવાસ્તવના સરોદવાદનનો પ્રિમિયર શો યોજાવા જઈ રહ્યો છે. તેમની સાથે વેસ્ટ બેંગાલના કલાકાર મલ્લાર ગોસ્વામી તબલા સંગત કરશે. આ બન્ને કલાકરોનો ટૂંકો પરિચય મેળવીએ.

કલકત્તામાં સંગીતકારોના પરિવારમાં જન્મેલા પ્રતિક શ્રીવાસ્તવને ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો અને કલા પ્રત્યેની સમજ સ્વાભાવિક રીતે ગળથુથીમાંથી મળેલી છે. તેમણે છ વર્ષની નાની ઉંમરથી સરોદ વાદનની પ્રાથમિક તાલીમ તેમના દાદા અને મૈહર ઘરાનાના નામાંકિત સરોદવાદક પં. રવિ ચક્રવર્તીની છત્રછાયામાં શરુ કરી હતી. ત્યારબાદ તેમની કલાને મઠારવાનું કામ તેમના કાકા ડો. રાજીવ ચક્રવર્તીના માર્ગદર્શનમાં થયું. તેમની સરોદવાદનની તાલિમમાં પં. અજય ચક્રવર્તી અને પં. તેજેન્દ્ર નારાયણ મજુમદારનું માર્ગદર્શન પણ એટલું જ આભારી છે. પ્રતીકે તેમની કારકિર્દીની શરુઆત કલકત્તાના જાણીતા સોલ્ટ મ્યુઝિક કોન્ફરન્સથી કરી હતી,

જેમાં સભામાં હાજર મહાનુભવોને તેમની પ્રતિભાનો પરિચય થયો હતો. ત્યારબાદ તેમણે કલકત્તામાં વિશ્વ બંગા સંમેલન, સંગીત સભા, શ્રુતિનંદન જેવા અનેક પ્રતિષ્ઠિત સંમેલનો અને સંગઠનોમાં પર્ફોરમન્સ આપ્યુ છે. વૈશ્વિક ફલક ઉપર તેમણે જુદા-જુદા દેશોમાં સરોદવાદન દ્વારા તેની વિશેષ છાપ છોડી છે. જેની શરુઆત 2000ની સાલમાં અમ્માન (જોર્ડન)માં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલથી થઈ હતી. 2001માં જર્મની અને ફ્રાન્સના પ્રવાસમાં અને 2007માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન લિવરપુલની સુરધ્વની એન્ડ મિલફેસ્ટ સંસ્થા સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ઉપરાંત તેમણે 2009માં ઈંગ્લેન્ડમાં અને 2011માં ઓસ્ટ્રેલિયાના વુડફોર્ડ ફેટીવલમાં વર્કશોપનું આયોજન અને કલાપ્રદર્શન કર્યુ હતું. 2014માં અમેરિકાના પ્રવાસમાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, મિશિગન અને લોસ એન્જલસ જેવા શહેરોમાં તેમના સરોદવાદનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની ગરિમાનો પરિચય આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આગામી રવિવારના રોજ યોજાનાર પ્રતિક શ્રીવાસ્તવના સરોદવાદનના પ્રિમિયર શોમાં તેમની સાથે વેસ્ટ બેંગાલના કલાકાર મલ્લાર ગોસ્વામી તબલા સંગત કરશે. તેમને બાલ્યાવસ્થાથી જ તાલ અને લયની સમજ તેમના પિતા શ્રી પ્રબિર ગોસ્વામી પાસેથી મળી હતી. પાંચ વર્ષની નાની ઉંમરથી જ તેમણે તબલાવાદનની તાલીમ અજરાદા ઘરાનાના મહાન પંડિત ગોવિંદ બોસના લીધી હતી. મલ્લારને 2011માં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના ઈઈછઝ દ્વારા જુનિયર નેશનલ સ્કોલરશિપ પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં આયોજીત સંગીત સભાઓમાં તબલાવાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રતિભાનો પરિચય આપ્યો છે. હાલમાં તેઓ કલકત્તાની રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી માટે અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરીઝ સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement