ચાર કરોડની ‘રૂડા’ની જમીનમાં ગોડાઉન બંધાઈ ગયા: બે સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

17 September 2021 05:30 PM
Rajkot Crime Saurashtra
  • ચાર કરોડની ‘રૂડા’ની જમીનમાં ગોડાઉન બંધાઈ ગયા: બે સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
  • ચાર કરોડની ‘રૂડા’ની જમીનમાં ગોડાઉન બંધાઈ ગયા: બે સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
  • ચાર કરોડની ‘રૂડા’ની જમીનમાં ગોડાઉન બંધાઈ ગયા: બે સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
  • ચાર કરોડની ‘રૂડા’ની જમીનમાં ગોડાઉન બંધાઈ ગયા: બે સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

આણંદપર-નવાગામ પાસે ટ્રાન્સપોર્ટનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરતું ‘રૂડા’

*  22મીએ પ્લોટની હરાજી થાય તે પહેલાં જ દબાણો પર બૂલડોઝર ફેરવી સાફસૂફી કરાઈ: 65 લાખની કિંમતના 312 ચો.મી. અને 3.25 કરોડની કિંમતના 8.25 ચો.મી.ના સરકારી પ્લોટનો બિન્દાસ્ત બનીને દબાણકારોએ ઉપયોગ શરૂ કરી દીધો’તો

રાજકોટ, તા.17
કોરોનાની પ્રથમ અને બીજી લહેરની કારમી થપાટને કારણે મૂર્છિત થઈ ગયેલા સરકારના અનેક વિભાગો હવે કોરોના શાંત થતાંની સાથે જ એક્શનમાં આવી ગયા છે. દરમિયાન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા આજે આણંદપર ગામે નવાગામ પાસે આવેલા રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં વહેલી સવારે મેગા ડિમોલિશન હાથ ધરી ચાર કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ જમીન ઉપર ગોડાઉન ઉભા થયેલા જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે જ દબાણો દૂર કરીને દબાણકર્તાઓ સામે કલેક્ટર તંત્રમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ અંગે ‘રૂડા’ના સીઈઓ ચેતન ગણાત્રાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રૂડા ટ્રાન્સપોર્ટનગરના વિવિધ પ્લોટની 22 સપ્ટેમ્બરે હરાજી થવાની છે. આ પ્લોટ પૈકી અમુક પ્લોટ ઉપર દબાણ થઈ ગયાનું તંત્રના ધ્યાન પર આવતાં ત્યાં ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાયો હતો. આજે 124 નંબરનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 312 ચોરસમીટર છે ત્યાં ગોડાઉન બનાવી લેવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવતાં તુરંત જ ડિમોલિશન કરીને 65 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ હતી.

આવી જ રીતે 25 નંબરનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 825 ચો.મી. જેટલું થવા જાય છે ત્યાં પણ ગોડાઉન બનાવી લેવામાં આવ્યું હોવાનું ખુલતાં તેને તોડી પાડી રૂા.3.25 કરોડ રૂપિયાની જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય પ્લોટ ઉપર કેબિન, પ્લીન્થ સહિતના દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ રૂડા દ્વારા આજે ચાર કરોડ રૂપિયાની જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી અને ગોડાઉન બનાવીને સરકારી જમીનનો ઉપયોગ કરી રહેલા બે લોકો સામે કલેક્ટર તંત્રમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સીઈઓ ચેતન ગણાત્રાએ ઉમેર્યું કે 22મીએ પ્લોટની હરાજી થવાની છે તેથી આ ડિમોલિશન થકી લોકોને વિશ્ર્વાસ અપાવવામાં આવ્યો છે કે રૂડા તંત્ર સરકારની જમીન ઉપર નાનું અમથું પણ દબાણ સહન કરશે નહીં અને જો કોઈ દબાણ કરવાની ગુસ્તાખી કરશે તો તેને તુરંત જ તોડી પાડવામાં આવશે.

બે જેસીબી, એક બ્રેકર, એક હિટાચી અને 50 લોકોના સ્ટાફ સાથે દબાણ પર તંત્ર ત્રાટક્યું
આજે નવાગામ પાસે રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ઉભા થઈ ગયેલા દબાણોને તોડી પાડવા માટે બે જેસીબી, એક બ્રેકર, એક હિટાચી સહિતના સાધનો સાથે 50 લોકોનો સ્ટાફ દોડી ગયો હતો અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. ડિમોલિશન વખતે પીજીવીસીએલ અને પોલીસનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો.


ત્રણ વર્ષ બાદ ‘રૂડા’નું બૂલડોઝર ફરી ધણધણ્યું
છેલ્લા ત્રણ વર્ષથી ‘રૂડા’ દ્વારા ડિમોલિશનની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કોરોના શાંત પડતાંની સાથે જ તેના બૂલડોઝરે ગરમી પકડી લીધી છે આજે ટ્રાન્સપોર્ટનગરમાં ઉભા થઈ ગયેલા દબાણો ઉપર તેની ધણધણાટી બોલાવી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે બે વર્ષથી કોરોનાના કહેરને કારણે અન્ય કામગીરીને જાણે કે બ્રેક જ લાગી ગઈ હતી પરંતુ હવે સઘળું રાબેતા મુજબ થઈ રહ્યું હોવાથી રૂડા પણ એક્શનમાં આવી ગયું છે.

દબાણકર્તાએ સુચિત જમીનને સ્ટેમ્પ પર નોટરાઈઝડ કરી ગોડાઉન બનાવી લીધું’તું !
‘રૂડા’ના સીઈઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટનગરમાં રૂડાના 124 અને 25 નંબરના પ્લોટ પર ગોડાઉન બાંધી લેવામાં આવ્યા હતા તેના દબાણકર્તાએ સુચિત જમીન હોવા છતાં સ્ટેમ્પ પર નોટરાઈઝડ કરાવીને તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ડિમોલિશન સહિતની કાર્યવાહી થંભી ગઈ હોવાથી દબાણકર્તાઓ બિન્દાસ્ત બની ગયા હતા અને સરકારની જમીનનો ઉપયોગ કરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદો મળ્યા બાદ તંત્રએ તુરંત જ એક્શનમાં આવી જઈને દબાણો તોડી પાડ્યા છે અને બન્ને દબાણકર્તાઓ સાથે લેન્ડગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

22મીએ ‘રૂડા’ના 11 પ્લોટની હરાજી
સીઈઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું કે 22 સપ્ટેમ્બરે રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં 11 પ્લોટની હરાજી કરવામાં આવશે. આ હરાજી થાય તે પહેલાં પ્લોટ ઉપર ખડકાઈ ગયેલા દબાણોને આજે દૂર કરી દેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ અહીં દબાણ ઉભા થવા દેવામાં આવશે નહીં. અહીં પ્લોટ ખરીદવા ઈચ્છુક લોકો કોઈ પ્રકારના ડર વગર પ્લોટ ખરીદી શકે તે માટે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement