સીએમઓ સિવાય સ્વર્ણિમ સંકુલ-1 તથા 2 ખાલી: મંત્રીઓને હજુ ઓફીસ ફાળવાઈ નથી

17 September 2021 07:23 PM
Ahmedabad Gujarat
  • સીએમઓ સિવાય સ્વર્ણિમ સંકુલ-1 તથા 2 ખાલી: મંત્રીઓને હજુ ઓફીસ ફાળવાઈ નથી

મંત્રીના સ્ટાફની નિયુક્તિ પણ બેસવું કયાં તે પ્રશ્ર્ન: પત્રકારોને પણ સંકુલની અંદર જવા પર પાબંદી

ગાંધીનગર, તા. 17
ગુજરાત સરકારના નવા મુખ્યમંત્રી અને નવા મંત્રી મંડળની સત્તાવાર શપથવિધિ થઈ ગઈ હોવા છતાંય જુના મંત્રીઓની ઓફીસ ખાલી કરવાની કામગીરી આજે પણ યથાવત રહી છે.જેના કારણે રાજ્યના નવા મંત્રી મંડળને સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં હજુ સુધી ઓફિસો ફાળવવામાં આવી નથી. ઉપરાંત નવા મંત્રીઓના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશ ના નિમણુંક ઓર્ડર થઈ ગયા હોવા છતાંય આ અધિકારીઓ પોતાના ફળવાયેલા મંત્રી સમક્ષ રૂબરૂ હાજર થઈ શક્યા નથી. પરિણામે સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં નીચેથી જ પાછા વળવું પડ્યું છે.

રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને તેમના મંત્રી મંડળની શપથવિધિ ગઇકાલે જ પુરી થઈ ગઈ. અને ગઈકાલે જ તેમણે મંત્રી મંડળના સાથીઓ ની પ્રથમ કેબિનેટ બેઠક કરી ખાતા ફાળવણી કરી દીધી છે.તો બીજી તરફ જુના મંત્રીઓની મોટાભાગની ઓફીસો આજદિન સુધી ખાલી થઈ રહી છે. એટલું જ નહીં જુના પ્રધાનોની ઓફિસો સમયસર ખાલી નહીં થતી હોવાના કારણે નવા મંત્રીઓની ઓફીસ ફાળવણી ની કાર્યવાહી વિલંબિત બની રહી છે. એટલું જ નહીં મંત્રીઓનાં નક્કી થયેલા પી.એ.-પી.એસ પણ ફળવાયેલા મંત્રી સમક્ષ રૂબરૂ મળી શક્ય નથી. અને સ્વર્ણિમ સંકુલ નીચેથી જ ઓર્ડર સાથે ધરમધક્કો વેઠી રહ્યાં છે.

તોબીજી તરફ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મ દિવસ પણ છે. અને એટલે મુખ્યમંત્રી થી માંડીને તમામ મંત્રી મંડળ વડાપ્રધાનના આયોજિત કાર્યક્રમો માં વ્યસ્ત બની જતાં આજે નવા ઍકપણ મંત્રીએ ઓફિસનો વિધિવત ચાર્જ સંભાળ્યો નથી. ત્યારે હવે તમામ નવનિયુક્ત મંત્રીઓ શ્રાદ્ધ પક્ષ પહેલાજ ઓફિસ સહિત તમામ સ્ટાફ મેળવી લેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ હાઈ કમાંડે મુખ્યમંત્રી થી માંડી ને આખું મંત્રી મંડળ ટોપ ટુ બોટમ બદલી નાખ્યું તેજ રીતે હવે નવા મંત્રીઓનો નવો નકોર સ્ટાફ ભરતી કરી તેમાં પણ નો રિપીટ ની થિયરી અપનાવવામાં આવશે તેમ સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યના મંત્રીઓના ઓફીસ કાર્યાલય એવા સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં મીડિયા કર્મીઓ ના પ્રવેશ ઉપર પાબંધી લગાડી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જુના મંત્રીઓની ઓફિસો તબક્કાવાર ખાલી થઈ રહી છે. જેના કારણે તમામ મીડિયા કર્મીઓના પ્રવેશ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવા પ્રધાન મંડળની રચના પૂર્વે પાટનગર ગાંધીનગર માં રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા હતાં. અને ત્યારબાદ મંત્રી મંડળની શપથવિધિ સંપન્ન થઈ હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હશે અને એટલે જ છેલ્લા ત્રણ દિવસથી સચિવાલયનું દૈનિક રિપોર્ટિંગ કરતાં મીડિયા કર્મીઓ માટે હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અને ઓફીસ ખાલી થઈ રહી હોવાનું પ્રાથમિક કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement