આજે બપોરે બે વાગ્યા સુધીમાં જ 10 લાખથી વધુ લોકોનું રસીકરણ

17 September 2021 07:29 PM
Rajkot
  • આજે બપોરે બે વાગ્યા સુધીમાં જ 10 લાખથી વધુ લોકોનું રસીકરણ

ગુજરાતમાં કોરોના વિરોધી વેકિસનનો રેકોર્ડ તૂટયો : 8.01 લાખને રસી આપવાનો મહીના પહેલાનો રેકોર્ડબ્રેક: ડો.નયન જાની

રાજકોટ તા.17
આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ અંતર્ગત સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમા પણ સામુહીક કોરોના વિરોધી રસી આપવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આજરોજ મોડી રાત સુધી રસીકરણ કેન્દ્રો પણ ચાલૂ રહેવાના છે. ત્યારે આજરોજ ગુજરાત રાજયમાં બપોરે બે વાગ્યા સુધીમાં અત્યાર સુધીનુ હાઈએસ્ટ અને રેકોર્ડબ્રેક રસીકરણ થયુ છે.

આ અંગે ગુજરાત રાજયનાં વેકિસનેશન કામગીરીના વડા ડો.નયન જાનીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ છે કે આજરોજ બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાત રાજયમાં 10 લાખથી વધુ લોકો કોરોના વિરોધી રસીનાં સીંગલ અને ડબલ ડોઝ લઈ ચૂકય છે.ડો.જાનીના જણાવ્યા મુજબ આ રસીકરણ ગુજરાત રાજયનું અત્યાર સુધીનું સૌથી વધુ અને રેકોર્ડબ્રેક છે. તેઓએ વધુમાં જણાવેલ હતું કે ગત માસ દરમ્યાન રાજયમાં જયારે કોરોના વિરોધી રસી માટેની સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી હતી.

તે વખતે સૌથી વધુ 8,01 લાખ લોકોએ કોરોના વિરોધી રસી લીધી હતી. અને આ રેકોર્ડ આજરોજ 10 લાખથી વધુનુ રસીકરણ સાથે તૂટી ગયો છે. આજે આ ડ્રાઇવ દરમ્યાન 7,500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે બાકી રહેલા લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34,787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement