પ્રજાને ઝટકો : પેટ્રોલ - ડીઝલને જીએસટીના દાયરાથી બહાર જ રખાયા : સરકારે કેન્સરની દવાઓ પર આપી છૂટ

17 September 2021 10:14 PM
Government India Politics
  • પ્રજાને ઝટકો : પેટ્રોલ - ડીઝલને જીએસટીના દાયરાથી બહાર જ રખાયા : સરકારે કેન્સરની દવાઓ પર આપી  છૂટ

● નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલ પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવશે નહીં : જીએસટીમાંથી કેટલીક જીવન બચાવતી દવાઓને મુક્તિ આપવાની જાહેરાત કરી ● કાઉન્સિલની મીટિંગમાં 6 રાજ્યોએ ડીઝલ-પેટ્રોલના ભાવને GST અંતર્ગત લાવવાનો વિરોધ કર્યો ● ડીઝલમાં મિશ્રિત કરતા બાયોડિઝલ ઉપર જીએસટી 12 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો : કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટીમાં મુક્તિ 31 ડિસેમ્બર સુધી વધારી

લખનઉ:
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની અપેક્ષા રાખતા લોકો આજે ફરી નિરાશ થયા હતા. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સ્પષ્ટ થયું કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે નહીં. જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કાઉન્સિલની બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે જીએસટી કાઉન્સિલને લાગ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો આ યોગ્ય સમય નથી. નાણાંમંત્રીએ કહ્યું કે, અમુક જીવ બચાવતી દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ દવાઓ કોરોનાથી સંબંધિત નથી પરંતુ ખૂબ મોંઘી છે. હું આવી બે દવાઓના નામ લઈ રહી છું જે ખૂબ મોંઘી છે. આ જોલગેંજમાં બઅને વિલટેસ્પો છે. આ બંનેની કિંમત આશરે 16 કરોડ રૂપિયા છે. કાઉન્સિલે આના પર જીએસટીમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કાઉન્સિલે કોરોનાની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટીમાં મુક્તિ 31 ડિસેમ્બર સુધી વધારી છે. આ સિવાય કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પરનો જીએસટી 12થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો માટે રેટ્રો ફિટમેન્ટ કીટ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા બાયોડિઝલ કે જે ડીઝલમાં મિશ્રિત કરવા ઉપયોગ થાય છે તેના પર જીએસટી 12 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

સરકારે એક દેશ-એક ભાવ અંતર્ગત પેટ્રોલ-ડિઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યૂઅલને જીએસટીની સીમામાં લાવવા પર વિચાર કર્યો હતો.. આ મુદ્દે કાઉન્સિલની બેઠકમાં તેની પર ચર્ચા થઈ. પણ એવી માહિતી મળી છે કે છ રાજ્યોએ ઈંધણને જીએસટી હેઠળ લાવવાનો વિરોધ કર્યો છે.

● ફૂડ ડિલવરી એપ્સ પર 5% GST લાગવાનો પ્રસ્તાવ

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલીવરી એપ્સને રેસ્ટોરન્ટની જેમ માનવા અને તેમના દ્વારા કરવામાં આવેલી ડિલિવરી પર 5% જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા હતી. આ સંજોગોમાં રેસ્ટોરન્ટની જગ્યાએ ડિલીવરી એપ્સે જીએસટી સરકારની પાસે જમા કરાવવાનો રહેશે. તેનાથી ગ્રાહકો પર કોઈ અસર પડશે નહિ.

● કેન્દ્ર-રાજ્યોની કમાણીનું સાધન

તે જાણીતું છે કે જ્યારે 1 જુલાઈ, 2017 ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમની આવકને ધ્યાનમાં રાખીને ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફને જીએસટીના દાયરામાંથી બહાર રાખ્યા હતા. આના પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતપોતાના સ્થાને અલગ અલગ ટેક્સ લગાવે છે અને તેમાંથી આવતા નાણાં સરકારી તિજોરીમાં જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement