સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ

01 October 2021 04:30 PM
Surat Gujarat
  • સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ

કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાંથી બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું

સુરત: ડાન્સ કરતાં કરતાં ભૂલથી ગળેફાંસો લાગી જવો, રમતાં રમાતાં બાલ્કનીમાંથી નીચે પડી જવા કિસ્સાઓ સુરતમાં સામે આવી ચૂક્યા છે. આ તમામ કિસ્સા માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. સુરતમાં આવો વધુ એક કિસ્સા સામે આવ્યો છે. જેમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માળેથી નીચે પટકાયું હતું. આ આખી ઘટના એપાર્ટમેન્ટ ખાતે લાગેલા સીસીટીવી કેમેરમાં કેદ થઈ ગઈ છે. આ મામલે કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે આ બનાવ સુરત શહેરના કતારગામ વિસ્તારનો છે. જેમાં લક્ષ્મી રેસિડેન્સી નામના એપાર્ટમેન્ટમાંથી બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાયું હતું.

આઠમા માળેથી નીચે પટકાતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હકીકતમાં આ બાળક પોતાના ફ્લેટના આગળના ભાગમાં જે પેસેજ આવેલો હતો ત્યાં રમી રહ્યું હતું. આ દરમિયાન તે પેસેજમાં લગાવવામાં આવેલી ગ્રીલમાંથી નીચે પડી ગયું હતું. બે વર્ષના બાળકનું આવી રીતે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી હતી. બીજી તરફ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવી સીસીટીમાં કેદ: લક્ષ્મી રેસિડેન્સી એપાર્ટમેન્ટ ખાતે બનેલી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક તેના ઘરની બહારના પેસેજમાં રમી રહ્યું છે.

આ દરમિયાન તે ત્યાં લાગેલી ગ્રીલ પર ચઢ-ઉતર કરે છે. એક ક્ષણે તે ગ્રીલમાંથી માથું બહાર કાઢે છે. આ દરમિયાન તેના શરીરનું બેલેન્સ બગડે છે અને તેના પગ ઊંચા થઈ જાય છે. બીજી જ ક્ષણે બાળક ગ્રીલમાંથી ગરક થઈને નીચે પડી જાય છે. મોટાભાગે તમામ બહુમાળી એપાર્ટમેન્ટમાં આ પ્રકારની પેસેજ આપવામાં આવતી હોય છે. મોટાભાગે ત્યાં પગથિયાંની સામેની બાજુએ ખુલ્લી જગ્યા હોય છે અને તેમાં સેફ્ટી માટે ગ્રીલ નાખવામાં આવતી હોય છે. આ કિસ્સામાં સેફ્ટી ગ્રિલની ઊંચાઈ ઓછી હતી તેમજ તેમાંથી બાળક ગરક થઈ જાય એટલી જગ્યા હતી. મોટાભાગે બાળકો સાંજના સમયે ફ્લેટની બહાર આ પેસેજમાં રમતા હોય છે.

આથી આવા સમયે જો તેમને સમજ ન હોય તો તેઓ પગથિયાં પરથી કે પછી પેસેજની સેફ્ટી જાળીમાંથી નીચે પડી જવાનું જોખમ રહે છે. સુરતનો આ કિસ્સા ઘણું બધું કહી જાય છે. જો તમારા એપાર્ટમેન્ટમાં પણ પેસેજની જગ્યા જોખમી હોય તો તમારે તમારા બાળકને રમવા માટે એકલું ન છોડવું જોઈએ હાલ આ મામલે કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ બનાવ સામે આવ્યા બાદ એવી પણ ચર્ચા છેડાઈ છે કે એપાર્ટમેન્ટમાં જે સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવી હતી તેની ઊંચાઈ ખૂબ ઓછી છે. જો ત્યાં સિમેન્ટની ઊંચી પાળી કર્યાં બાદ તેના પર ગ્રીલ લગાવવામાં આવી હોય તો કદાચ આ ભૂલકાએ જીવ ગુમાવ્યો ન હોત.


Related News

Loading...
Advertisement
Advertisement