વડોદરાના ચકચારી બળાત્કાર કેસનો ભાગેડુ આરોપી અશોક જૈન પાલીતાણામાંથી ઝડપાયો : ધર્મશાળામાં છુપાયો હતો!

07 October 2021 11:26 AM
Vadodara Crime Gujarat
  • વડોદરાના ચકચારી બળાત્કાર કેસનો ભાગેડુ આરોપી અશોક જૈન પાલીતાણામાંથી ઝડપાયો : ધર્મશાળામાં છુપાયો હતો!

વહેલી સવારે વડોદરા ક્રાઇમ બ્રાંચ ઉપાડી ગઇ : પૂજા માટે જતી વખતે જ પોલીસના દર્શન થઇ ગયા

(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 7
વડોદરાના ચકચારી બળાત્કાર કેસમાં ભાગેડુ આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી આજે વહેલી સવારે ધરપકડ કરી છે. આ શખ્સ ધર્મશાળામાં છુપાયો હતો અને સવારમાં પોલીસનો ભેટો થઇ જતા તેના હોશ ઉડી ગયા હતા. આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

આ અંગે સીટના ચીફ ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસના ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી અને અંતે તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો.

વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમે રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા. બીજી તરફ રાજુ ભટ્ટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવડેક સોસાયટીમાં પહોંચી હતી અને પંચનામું કરી માહિતી મેળવી હતી. જૂનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી.

રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. પીડિતાએ ફ્લેટમાંથી તેના એસીના પ્લગ પાસેથી સ્પાઇ કેમેરો શોધી કાઢયો હતો, જેથી આ કેમેરો કોણે લગાવ્યો હતો એ મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. જોકે રાજુ ભટ્ટે તેણે સ્પાઇ કેમેરો લગાવ્યો ન હતો એવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે, આ મામલે અશોક જૈન પકડાયો છે સ્પાઇ કેમેરો સહિતના મુદ્દા પર વધુ માહિતી મળી શકે છે એમ પોલીસે જણાવ્યું હતું.

આ મામલામાં પીડિતાનો મિત્ર તરીકે બૂટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યક્તિઓનાં નામનું લિસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યાર બાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાઇરલ થઇ હતી. હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ છે, જેથી પોલીસ તેને શોધી રહી છે, જોકે બનાવના 18 દિવસ પછી પણ અલ્પુ સિંધી મળતો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement