કેન્સર-થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે પંકજ ઉધાસ-ઓસમાણ મીર સહિતના કલાકારો આપશે ગઝલ પ્રોગ્રામ

12 October 2021 04:41 PM
Rajkot Health
  •  કેન્સર-થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે પંકજ ઉધાસ-ઓસમાણ મીર સહિતના કલાકારો આપશે ગઝલ પ્રોગ્રામ

22 અને 23 ઑક્ટોબરે યોજાશે કાર્યક્રમ જેને ગઝલપ્રેમીઓ ઘરેબેઠા નિહાળી શકશે: દર્દીઓના લાભાર્થે વધુમાં વધુ દાન કરવા કલાકારોનો અનુરોધ

રાજકોટ, તા.12
કેન્સર અને થેલેસેમિયાની બીમારીઓનો સામનો કરી રહેલા દર્દીઓના લાભાર્થે પંકજ ઉધાસ, ઓસમાણ મીર સહિતના કલાકારો દ્વારા ગઝલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 22 અને 23 ઑક્ટોબરે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમને ગઝલપ્રેમીઓ ઘરેબેઠા નિહાળી શકશે.

સાથે સાથે માનવતાને મહેકાવતા આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો દાન કરે તેવો અનુરોધ પણ કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ‘હંગામા મ્યુઝિક’, ‘હંગામા પ્લે એપ’ ઉપરાંત પંકજ ઉધાસના ફેસબુક અને યુ-ટયુબ પેઈઝ ઉપર કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી થનારી આવકને કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓની મદદ માટે આપી દેવાશે.

આ અંગે ગાયક કલાકાર ઓસમાણ મીરે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓને મદદ કરવાના હેતુથી પ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસ દ્વારા ‘ખઝાના ધ ફેસ્ટીવલ ઓફ ગઝલ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે જેમાં આ વર્ષે હું પણ સહભાગી થવાનો છું.

આ કાર્યક્રમમાં અનુપ જલોટા, રેખા ભારદ્વાજ, સૂફી ગાયિકા કવિતા શેઠ, તલત અજીજ, સંજીવની ભેલાંદે સહિતના કલાકારો પણ સહભાગી બનશે. આ કલાકારોના ગઝલ કાર્યક્રમનું મુંબઈના એક સ્ટુડિયોમાં શૂટિંગ થશે અને ત્યારપછી 22 અને 23 ઑક્ટોબરે સાંજે 7:30 વાગ્યાથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મેં આ કાર્યક્રમમાં હિન્દી અને ઉર્દૂ ભાષામાં ગઝલ ગાયેલી છે. આ કાર્યક્રમને ભારત જ નહીં બલ્કે વિદેશમાં પણ જોઈ શકાશે.


Related News

Loading...
Advertisement
Advertisement