શકિત આરાધનાનું પર્વ નવરાત્રી અંતિમ ચરણમાં : કાલે હવનાષ્ટમી

12 October 2021 04:53 PM
Rajkot Dharmik
  • શકિત આરાધનાનું પર્વ નવરાત્રી અંતિમ ચરણમાં : કાલે હવનાષ્ટમી

આવતીકાલે ગરબી મંડળોમાં હવન અનુષ્ઠાન : શુક્રવારે ઉજવાશે વિજયાદશમી : કરણપરા ચોક ગરબી તથા કોઠારીયા કોલોની ગરબીમાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ : ગરબો વળાવવાના શુભમુહૂર્તો

રાજકોટ, તા. 12
મા આદ્યાશકિતનું આરાધના પર્વ નવરાત્રી હવે અંતિમ ચરણમાં પ્રવેશી રહ્યું છે. આવતીકાલે આસો સુદ આઠમ હોવાથી પ્રાચીન ગરબીમાં હવનાષ્ટમી ઉજવાશે સવારે ગરબીના આયોજકો હવન કરશે. તા. 14મીના ગુરૂવારે નવરાત્રી પૂર્ણ થશે તથા તા. 15ના આસુરી શકિત સામે દૈવી શકિતના વિજય સમાન પર્વ વિજયાદશમી અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે. રાજકોટમાં આ વખતે સરકારી ગાઇડલાઇન અનુસાર 400ની મર્યાદામાં શેરી ગરબા, ફલેટ તથા સોસાયટી કક્ષાએ ગરબાના આયોજનો થયા છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાના કારણે નવરાત્રી પર્વ ઉજવી શકાયું ન હોવાથી આ વખતે લોકોમાં નવરાત્રી ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કરણપરા ચોક ગરબી, પવનપુત્ર ગરબી, જંકશન પ્લોટ, મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરમાં યોજાતી ગરબી, સદર, મામા સાહેબની ગરબી સહિત અન્ય જાણીતી ગરબીઓમાં લોકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 39 વર્ષથી અંબિકા ટ્રસ્ટ દ્વારા કરણપરા ચોકની ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે નવરાત્રીના પ્રારંભ વખતે પૂ. હરિચરણદાસજી બાપુના શિષ્ય શ્રી શ્યામસુંદરજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. આ તકે કૌશિકભાઇ શાસ્ત્રી તથા જગદીશભાઇ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

કરણપરા ચોક ગરબીમાં જાણીતા રાસ જેવા કે માડી તારા અઘોર નગારા વાગે, મોગલમાનો મેળો, બેડા રાસ, રામ રોટી, બાદશાહ રાસ, 251 દીવડા રાસ વગેરે કૃતિઓ રજૂ થાય છે. ગરબીમાં 8 થી 12 વર્ષની બાળાઓ રાસ ગરબા રજુ કરે છે. આ વખતે 35 બાળાઓ છે. રાજકોટની પ્રાચીન ગરબીઓમાં છેલ્લા 25 વર્ષથી ટોપ ઇન સીટી ગરબી મંડળનું બિરૂદ મળેલ છે.

આ વખતે ગાયકોમાં અજય આહિર, પ્રાચીબેન જાદવ, પુનમબેન ગોંડલીયા, વિશાલ વરૂ તથા ઢોલ પર યશ તન્ના, બેન્જોમાં ભીખાભાઇ માંડલીયા, મંજીરામાં પંકજ ડોબરીયા વગેરે જમાવટ કરી રહ્યા છે. મીરા સાઉન્ડના ઇમરાનભાઇ સાઉન્ડ સિસ્ટમ સંભાળે છે.

અંબિકા ટ્રસ્ટ-કરણપરા ચોક ગરબી મંડળના પ્રમુખ કિરીટભાઇ પાંધીના નેતૃત્વ હેઠળ નીતિન પાંધી, જીતુભાઇ ગોહેલ, રાજુ પરમાર, કિશન પાંધી, નિલેશ ગજજર, મિતેષ ગજજર, સુનિલ ગજજર, વિરેન, હાર્દિક, ધવલ, ક્રિપાલસિંહ, મનીષ, મનોજ, ભરત પુજારા, દીપક ગોહેલ, યોગેશ પટેલ, હસુભાઇ વાઢેર, પ્રદીપ રાણપરા, હરીશ પુજારા, શૈલેષ માંડવીયા, ઉમેશ સહિત અન્યો જહેમત ઉઠાવી રહ્યા છે. અંબિકા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે.

કોઠારીયા કોલોની ગરબી મંડળ
કોઠારીયા કોલોની ગરબી મંડળ છેલ્લા 64 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરે છે. ગરબીમાં પ્રાચીન અને ગામઠી રાસો રજૂ કરાય છે. જેમાં દાંડીયા રાસ, મંજુરા રાસ, કરતાલ રાસ, મોર બની થનગનાટ રાસ, ટિપ્પણી રાસ, શિવ લહેરી રાસ, હુડો, છંદ સહિત અન્ય કૃતિઓ રજુ થાય છે. ગાયક વૃંદમાં દિલીપભાઇ બારોટ (બેન્જો-ગાયક), વિદિતા જોશી, ઢોલ પર રાકેશભાઇ, અનોપસિંહ જાડેજા (ગાયક), કિરીટસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા (મંજીરા) વગેરે જોડાયેલા છે.

ગરબો વળવવાનું મુહૂર્ત
આગામી તા. 15ના શુક્રવારે વિજયાદશમીના દિવસે ગરબો વળાવવાના મુહૂર્તો અહીં આપેલ છે. તે અનુસાર તા. 15ના સવારે 6.40 થી 9.30, બપોરે 10.30 થી 11 તથા સાંજે 5.15 થી 6.03નો સમય શુભ છે. આ વખતે આસો સુદ 4નો ક્ષય હોવાથી એક નોરતું ઘટયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement