આજે ફાઈનલની ટિકિટ કોણ કપાવશે ? દિલ્હી દમદાર, કોલકત્તા પણ કમ નથી

13 October 2021 11:32 AM
India Sports
  • આજે ફાઈનલની ટિકિટ કોણ કપાવશે ? દિલ્હી દમદાર, કોલકત્તા પણ કમ નથી

ક્વોલિફાયર-2 મુકાબલામાં બે વખતની ચેમ્પિયન કોલકત્તા પોતાનો પ્રથમ ખિતાબ મેળવવા મથી રહેલી દિલ્હી સામે ટકરાશે: વિજેતા ટીમ શુક્રવારે ચેન્નાઈમાં ફાઈનલ મેચ રમશે

નવીદિલ્હી, તા.13
પહેલાં આઈપીએલ ખીતાબની તલાશમાં લાગેલી દિલ્હી ટીમે આજે ક્વોલિફાયર-2માં શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે આકરાં પડકારોનો સામનો કરવો પડશે. દિલ્હી પહેલી મોટી પરીક્ષામાં નિષ્ફળ નિવડી હતી જ્યાં તેને ક્વોલિફાયર-1માં ચેન્નાઈ વિરુદ્ધ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

ઋષભ પંતની આગેવાનીમાં ટીમ જો કોલકત્તા સામે આજે હારે છે તો તેનું અભિયાન સમાપ્ત થઈ જશે. આ મુકાબલો જીતનારી ટીમ શુક્રવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાશે. તેમાં કોઈ શંકા નથી કે એલિમિનેટરમાં બેંગ્લોરને હરાવ્યા બાદ કોલકત્તાનો આત્મવિશ્વાસ ચાર ગણો વધી ગયો છે અને તેના ફોર્મને જોતાં અત્યારે કોલકત્તાનું પલડું ભારે લાગી રહ્યું છે. લીગ સ્ટેજમાં દિલ્હી 10 જીત મેળવીને 20 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી પરંતુ તેને ખબર છે કે કોલકત્તા વિરુદ્ધ તેનો માર્ગ આસાન રહેવાનો નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગના કોચ તરીકે જોડાયા બાદ દિલ્હી સતત મજબૂત બની છે. ટીમ પાછલા વર્ષે ફાઈનલમાં પહોંચી હતી.

ટીમ આ વખતે વધુ એક પગલું આગળ વધીને ફાઈનલ જીતવા માંગશે. દિલ્હી ટૂર્નામેન્ટની સૌથી સંતુલિત ટીમમાંથી એક છે. મજબૂત બેટિંગ ક્રમ ઉપરાંત પ્રભાવિત ફાસ્ટ બોલિંગ એટેક છે જેને દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન તરફથી ઘણો સહયોગ મળી રહ્યો છે. શિખર ધવન, પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની હાજરીમાં ટીમનો ટોપ ઓર્ડર ઘણો જ મજબૂત છે. પંત અને શિમરોન હેટમાયર મીડલ ઓર્ડર બેટિંગ લાઈનઅપને મજબૂત બનાવી રહ્યા છે. ધવન આ વખતની સીઝનમાં 551 રન બનાવી ચૂક્યો છે. તેના ઓપનિંગ જોડીદાર પૃથ્વી શોએ પણ ચેન્નાઈ વિરુદ્ધ પ્રભાવિત પ્રદર્શન કર્યું હતું. બોલિંગમાં કૈગિસો રબાડા અને એનરિચ નોર્જેની જોડી શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફાસ્ટ બોલર આવેશ ખાને પણ આ સીઝનમાં અત્યાર સુધીમાં 23 વિકેટ મેળવી છે.

દિલ્હીએ ટૂર્નામેન્ટના યુએઈ સ્ટેજમાં પાંચ જીત મેળવી છે પરંતુ તેણે જે મેચ ગુમાવ્યા છે તેમાં કોલકત્તા વિરુદ્ધ પરાજય પણ સામેલ છે. આવામાં ટીમે પોતાનો બદલો વાળવાનો મોકો ગુમાવવો ન જોઈએ. જો કે તેનો માર્ગ ઘણો કપરો બની રહેશે કેમ કે ભારતમાં પહેલાં તબક્કામાં લચર પ્રદર્શન બાદ ઈયોન મોર્ગનની ટીમે યુએઈ સ્ટેજમાં શાનદાર વાપસી કરી છે. ટીમ શ્રેષ્ઠ રનરેટને કારણે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પછાડીને પ્લેઓફમાં પહોંચી છે.


Related News

Loading...
Advertisement
Advertisement