UAEમાં ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ટી-20 મેચનો અનુભવ ‘0’: પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ આગળ

13 October 2021 11:37 AM
India Sports Top News World
  • UAEમાં ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ટી-20 મેચનો અનુભવ ‘0’: પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ આગળ

અહીં ભારતે એક પણ આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલો નથી રમ્યો જેની સામે પાકિસ્તાને 36, અફઘાને 33 અને ન્યુઝીલેન્ડ સાત મેચ રમ્યા છે: રોહિત, રાહુલ, જાડેજા, ભુવનેશ્વર, બુમરાહ અને હાર્દિક સિવાય એક પણ ખેલાડી અહીં ઈન્ટરનેશનલ ટી-20 રમ્યા નથી

નવીદિલ્હી, તા.13
ટી-20 વર્લ્ડકપના મુકાબલા યુએઈ અને ઓમાનમાં થવાના છે. સુપર-12ના તમામ મેચ યુએઈમાં જ રમાશે. ટીમ ઈન્ડિયા પહેલો મેચ 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે પરંતુ યુએઈની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ અહીં અત્યાર સુધી એક પણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી જેની અસર વર્લ્ડકપમાં જોવા મળી શકે છે. આઈપીએલના બીજા તબક્કાના મેચ અહીં રમાઈ રહ્યા છે. આ પહેલાં પણ ટી-20 લીગના મુકાબલા યુએઈમાં રમાઈ ચૂક્યા છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ગ્રુપની અન્ય ત્રણ ટીમોની વાત કરવામાં આવે તો પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન અહીં ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે.

પાકિસ્તાન સૌથી વધુ 36 ટી-20 ઈન્ટરનેશનલ મેચ યુએઈમાં રમી છે જેમાં 21માં જીત અને 13માં હાર થઈ છે. જ્યારે અફઘાનિસ્તાને 33 ટી-20 મુકાબલામાં 26 જીત્યા છે તો 7 હાર્યા છે. ન્યુઝીલેન્ડ ટીમે યુએઈમાં સાતમાંથી એક ટી-20 મેચ જીત્યો છે તો છ મેચમાં તેનો પરાજય થવા પામ્યો છે. 2009માં શ્રીલંકા ટીમ પર હુમલા બાદ પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાતું નથી. ત્યારથી પાકિસ્તાની ટીમ ઘરેલું મેચ યુએઈમાં જ રમતી આવી છે.

ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ 15માંથી 6 ખેલાડીઓએ યુએઈમાં વન-ડે મેચ રમ્યા છે. આ ખેલાડીઓમાં રોહિત શર્મા, કે.એલ.રાહુલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સામેલ છે મતલબ કે કેપ્ટન વિરાટ કોહલીએ પણ અત્યાર સુધીમાં યુએઈમાં એક પણ ઈન્ટરનેશનલ મુકાબલો રમ્યો નથી. રોહિતે અહીં એક સદી અને બે ફિફટી બનાવી છે તો રાહુલે એક મેચમાં ફિફટી ફટકારી છે.

પાછલા ચાર વર્ષ મતલબ કે 1 જાન્યુઆરી-2017થી ઘર બહારના ટી-20 મેચના રેકોર્ડને જોવામાં આવે તો અહીં પણ પાકિસ્તાનની ટીમ ભારત કરતાં આગળ છે. પાકિસ્તાને આ દરમિયાન 38 ટી-20 મેચ રમ્યા છે જેમાં 19માં જીત અને 14માં હાર મળી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન ઘર બહાર 30 ટી-20 મેચ રમ્યા છે જેમાં 17 મેચમાં જીત તો 10 મેચમાં હાર મેળવી છે. જો કે સરેરાશ જીતના મામલે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન કરતાં આગળ છે. ન્યુઝીલેન્ડે આ દરમિયાન ઘર બહાર 12 ટી-20 મુકાબલા રમ્યા છે જેમાં પાંચ જીત અને સાતમાં હાર મળી છે.

સૌથી વધુ રન બનાવવા મામલે બાબર આઝમ પહેલાં નંબરે: ધવનનું ઉમદા ફોર્મ પર તે ટીમમાં સામેલ નથી
1 જાન્યુઆરી-2017થી ઘર બહાર ટી-20 મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીની વાત કરવામાં આવે તો પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પહેલાં નંબરે છે. તેણે આ દરમિયાન 27 ઈનિંગમાં 45ની સરેરાશથી 1128 રન બનાવ્યા છે જેમાં એક સદી અને દસ અર્ધસદી સામેલ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 131નો છે.

આ દરમિયાન કોઈ બેટસમેન એક હજાર રનના આંકડાને સ્પર્શ કરી શક્યો નથી. ભારત વતી આ દરમિયાન શિખર ધવને 22 ઈનિંગમાં 32ની સરેરાશથી સૌથી વધુ 708 રન બનાવ્યા છે જેમાં પાંચ ફિફટી સામેલ છે, ધવનનો સ્ટ્રાઈક રેટ 144નો રહ્યો છે પરંતુ તે ટી-20 વર્લ્ડકપ રમી રહ્યો નથી. જ્યારે કોહલીએ 19 ઈનિંગમાં 37 રનની સરેરાશથી 630 રન બનાવ્યા છે જેમાં ચાર ફિફટી સમાવિષ્ટ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 135નો છે.


Related News

Loading...
Advertisement
Advertisement