રૂડા’ના CEO ચેતન ગણાત્રાની ગાંધીનગર બદલી: શહેરી વિકાસ મંત્રીના PS બનાવાયા

13 October 2021 03:52 PM
Ahmedabad Gujarat
  • રૂડા’ના CEO ચેતન ગણાત્રાની ગાંધીનગર બદલી: શહેરી વિકાસ મંત્રીના PS બનાવાયા

દોઢ વર્ષ મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર અને અઢી વર્ષ ‘રૂડા’ના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ હવે ગાંધીનગર મુકાયા: શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાના પર્સનલ સેક્રેટરી તરીકે કરશે કામગીરી: ટૂંક સમયમાં ચાર્જ છોડશે

રાજકોટ, તા.13
તાજેતરમાં જ ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી અને તમામ મંત્રીઓ પોતપોતાની કામગીરીમાં પણ લાગી ગયા છે ત્યારે આજે સરકાર દ્વારા મંત્રીઓના પર્સનલ સેક્રેટરી (અંગત સચિવ) ઉપરાંત અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ચેતન ગણાત્રાનું નામ પણ સામેલ હોવાથી તેમની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.

ચેતન ગણાત્રાએ દોઢ વર્ષ સુધી મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર અને અઢી વર્ષથી ‘રૂડા’ના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ હવે શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવતાં તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ છોડશે.

આ અંગે ચેતન ગણાત્રાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને પોતાની બદલી અંગેની કોઈ જ જાણકારી નહોતી અને અચાનક જ બદલીનો હુકમ થતાં તેઓ પણ આશ્ચર્યચકિત થયા છે. તેમણે કહ્યું કે અઢી વર્ષ સુધી ‘રૂડા’ના સીઈઓ તરીકેના કાર્યકાળમાં તેમણે ભાવનગર રોડથી અમદાવાદ રોડ, ગોંડલ રોડ પરના રિંગરોડ ઉપરાંત 24 ગામની પાણી પૂરવઠા યોજના, 4200 જેટલા મકાનોનું નિર્માણ કે જેનું ડિસેમ્બર સુધીમાં લોકાર્પણ કરી દેવાનું છે તે સહિતની કામગીરી પૂર્ણ કરી છે. આ ઉપરાંત ત્રણ ટીપી સ્કીમ સાકાર કરી બતાવી છે અને ચોથી ટીપી સ્કીમ વાંધા-સુચનો અર્થે રહેલી છે ત્યારે તેમણે કરેલી કામગીરીનો પૂર્ણ સંતોષ છે.

હવે તેમને શહેરી વિકાસ મંત્રીના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે તે તેમના માટે અત્યંત નવી કામગીરી હોવાથી કેવા પડકારો રહેશે તે વિશે અત્યારે કહેવું થોડું ઉતાવળિયું ગણાશે. ચેતન ગણાત્રા ટૂંક સમયમાં ચાર્જ છોડી ગાંધીનગર રવાના થશે ત્યારે હવે ‘રૂડા’ના સીઈઓ તરીકે કોને મુકવામાં આવે છે તે જોવું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘રૂડા’માં છેલ્લા ઘણા વર્ષોથી કાયમી ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી અને અત્યારે મ્યુનિસિપલ કમિશનરને ચેરમેન તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હવે ચેરમેનની સાથે સાથે સીઈઓની જગ્યા પણ ખાલી પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement