જુ.કલાર્કની 122 જગ્યા માટે 45 હજાર યુવાનોની તા.24ના રોજ ‘મહાપરીક્ષા’!

13 October 2021 05:23 PM
Rajkot
  • જુ.કલાર્કની 122 જગ્યા માટે 45 હજાર યુવાનોની તા.24ના રોજ ‘મહાપરીક્ષા’!

અંતે એકઝામનું મુહૂર્ત આવ્યું : છ શહેરોના 81 બિલ્ડીંગમાં વ્યવસ્થા : કોરોના સંકટ નોકરી માટેનો રસ્તો ખુલશે

રાજકોટ, તા. 13
મ્યુનિ. કોર્પોરેશનમાં જુનીયર કલાર્ક કેટેગરીની ભરતી માટે પરીક્ષાનું મુહૂર્ત નીકળતા સરકારી નોકરીની તકની રાહ જોતા અડધો લાખ જેટલા યુવક-યુવતીઓની કારકીર્દી નવા ગીયરમાં પડવાની છે. જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલી અરજી પ્રક્રિયા, કોરોના કાળમાં અટકેલી કાર્યવાહી બાદ હવે તા. 24 ઓકટોબરના રોજ રાજકોટ સહિત 6 શહેરોમાં પરીક્ષા લેવા મનપાએ જાહેરાત કરી છે.

જુનીયર કલાર્કની 122 જગ્યા માટે 45397 ઉમેદવારો ઉપસ્થિત થયા છે. જાન્યુઆરીમાં અરજીઓ આવ્યા બાદ જુન માસમાં સુધારા જાહેરાત આપવી પડી હતી. પૂર્વ સૈનિકો અને વિકલાંગો માટે અનામત આપવા કોર્ટ સુધી પ્રકરણ પહોંચ્યુ હતું. આથી જુનમાં ફેરફાર થયા હતા. ગ્રેજયુએટ કેડરની આ સરકારી નોકરીનો લાભ લેવા અડધો લાખ ઉમેદવારો તૈયાર થયા છે. પરંતુ આટલી મોટી પરીક્ષા યોજવી આમ પણ મનપા માટે મુશ્કેલ કામ હતું. તેવામાં કોરોના ગાઇડલાઇનના કારણે આટલા ઉમેદવારોને એકઠા કરવા પણ શકય ન હતા.

હવે સરકાર માન્ય એજન્સી સાથે સમય સહિતનું સંકલન થઇ ગયું છે અને તા.24 ઓકટોબર આ પરીક્ષા માટે ફાઇનલ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, જુનાગઢ અને જામનગરમાં કુલ 81 બિલ્ડીંગ પર આ પરીક્ષા લેવામાં આવશે. કુલ 1600 બ્લોકમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને તેમની બેઠક વ્યવસ્થાની જાણ વેબસાઇટ પરથી જ થઇ જશે.

2018માં જુનીયર કલાર્કની 95 જગ્યા ભરવા માટે આટલી મોટી પરીક્ષા છેલ્લે લેવામાં આવી હતી. તે બાદ મહાપાલિકા યુનિવર્સિટી જેવી આ બીજી પરીક્ષા લેવા જઇ રહી છે. સરકારની એજન્સી આ પુરી ભરતી પ્રક્રિયા સંભાળે છે તે ઉલ્લેખનીય છે. આ રીતે દિવાળી પૂર્વે યુવાનોને સરકારી નોકરીની તકનો દ્વાર ખુલવા જઇ રહ્યો છે.

ખાસ 15 એકાઉન્ટન્ટ કલાર્કની પણ ભરતી થશે
રાજકોટ, તા. 13
મ્યુનિ. કોર્પોરેશનની હિસાબી શાખામાં ખાસ 15 એકાઉન્ટન્ટ કલાર્કની ભરતી માટે પણ અરજીઓ માંગવામાં આવી છે. એકાઉન્ટ વિભાગમાં અગાઉ કલાર્કની 15 જગ્યાનું સેટઅપ હતું. જે નાબુદ કરીને ખાસ એકાઉન્ટ કલાર્કની જગ્યા ઉભી કરવામાં આવી છે. આ માટે બીકોમ અથવા બીબીએ, પીજીડીસીએ સમકક્ષ લાયકાત ધરાવતા 30 વર્ષની ઉંમર સુધીના યુવાનો અરજી કરી શકે છે. આ કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement