માર્જીનમાં બાંધકામ ખડકનારી હોસ્પિટલો સામે બે દિવસમાં આકરા પગલાના નિર્દેશ

13 October 2021 05:37 PM
Rajkot
  • માર્જીનમાં બાંધકામ ખડકનારી હોસ્પિટલો સામે બે દિવસમાં આકરા પગલાના નિર્દેશ

બીયુ માટેની નોટીસની મુદ્દત કાલે પૂર્ણ : વધારાનું બાંધકામ તોડી પાડવાની તૈયારી

રાજકોટ, તા. 13
રાજકોટમાં બિલ્ડીંગ યુઝ પરમીશન વગરની હોસ્પિટલો સામે આકરા પગલાની ઘડી આવી પહોંચી છે. આવા 59 સંચાલકોને અપાયેલી નોટીસની મુદ્દત કાલે પુરી થતી હોય, શુક્રવારથી કાર્યવાહીની શકયતા મનપા વર્તુળોએ વ્યકત કરી છે.

રાજકોટમાં બીયુપી વગરની હોસ્પિટલો સામે આકરી કાર્યવાહીનો હુકમ કમિશ્નરે કરતા ટીપી શાખા દ્વારા તમામને નોટીસ આપવામાં આવી છે. ફાયર સેફટીના સાધનો અને એનઓસીની કાર્યવાહી તો લગભગ તમામ હોસ્પિટલોએ પુરી કરી છે. પરંતુ બીયુનો પ્રશ્ર્ન ગેરકાયદે બાંધકામ સાથે જોડાયેલો છે. સર્વેના અંતે 59 હોસ્પિટલમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ દેખાયા છે. આથી આ તમામને ગેરકાયદે કામ હટાવવા મુદત આપવામાં આવી હતી જેની મહેતલ કાલે પુરી થશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પૈકી 20 જેટલી હોસ્પિટલનું બાંધકામ વર્ષો જુનુ છે. જે તે વખતેના બાંધકામના નિયમો મુજબ કામ કર્યાની રજુઆત આવી છે. આથી આવા કિસ્સાઓ અંગે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. કારણ કે સરકાર અને અદાલતની સુચનાથી આ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં અમુક હોસ્પિટલ કોમ્પલેક્ષ વચ્ચે બેસે છે. આથી ત્યાં હોસ્પિટલ પુરતી સુવિધાઓ કેમ ઉભી કરવી તે સવાલ આવ્યો છે. છતાં માર્જીનની જગ્યામાં બાંધકામ હોય તો તે નિયમ મુજબ તોડવું જરૂરી છે. આથી હોસ્પિટલોને સીલથી માંડી બાંધકામ હટાવવાનું ઓપરેશન ગમે ત્યારે ચોકકસ થશે તે નકકી છે.


Related News

Loading...
Advertisement
Advertisement