દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા

14 October 2021 03:46 PM
Jamnagar Crime Gujarat
  • દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા

પાક રક્ષણ માટેના હથિયારનો પરવાનો આપવાના બદલામાં માંગી હતી લાંચ: ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી રંગે હાથે પકડી પાડ્યા: સરકારી અધિકારીઓમાં સન્નાટો: ભેટારિયાની અટકાયત કરી ગાંધીનગર લઈ જવાયા

રાજકોટ, તા.14
ગુજરાતના ઉચ્ચ સરકારી અધિકારીઓમાં જાણે કે લાંચ લેવાની મોસમ જાણે કે પૂરબહારમાં ખીલી હોય તેવી રીતે ગઈકાલે પંચમહાલ જિલ્લાના સહેરા ગામે રૂા.4.45 લાખની લાંચ લેતાં મહિલા ટીડીઓ સહિત ચાર લોકો ઝડપાયા બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા રૂા.3 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાએ પાક રક્ષણ માટેના હથિયારનો પરવાનો આપવાના બદલામાં અરજદાર પાસેથી લાંચ માગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાના એક અરજદારને પાક રક્ષણ માટે હથિયારના લાયસન્સની જરૂરિયાત હોવાથી તેમણે અરજી કરી હતી. આ અરજી બાદ ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા દ્વારા અરજદારને હથિયારના લાયસન્સના બદલામાં રૂા.3 લાખની લાંચ માંગવામાં આવી હતી જે અરજદાર આપવા માંગતાં ન હોય તેમણે સ્થાનિક એસીબીમાં જાણ કરવાને બદલે સીધી ગાંધીનગર એસીબીમાં જ આ અંગેની ફરિયાદ કરી હતી.

ફરિયાદ મળ્યા બાદ ગાંધીનગર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયા અરજદાર પાસેથી લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં તેમની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાંચકાંડમાં પકડાયા બાદ એસીબી દ્વારા નિહાર ભેટારિયાના ઘરની પણ તલાશી લીધી હતી. જો કે ત્યાંથી કશું વાંધાજનક મળ્યું કે કેમ તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત લાંચકાંડ અંગે પણ એસીબી દ્વારા કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. એકંદરે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી લાંચના છટકામાં સપડાઈ જતાં સરકારી કર્મચારીઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ અંગેના સમાચાર જાણવા માટે એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નિહાર ભેટારિયાને આઠ મહિના પહેલાં સરકારે આપ્યો’તો એવોર્ડ !
અરજદાર પાસેથી રૂા.3 લાખની લાંચ લેવાના ગુનામાં પકડાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટારિયાને આઠ મહિના પહેલાં જ સરકારે એવોર્ડ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભેટારિયાએ ચૂંટણીમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને આ એવોર્ડ અપાયો હતો અને તેઓ આખા રાજ્યમાં ચૂંટણી સંદર્ભની કામગીરી કરવામાં અવ્વલ રહ્યા હતા. ભેટારિયા છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કાર્યરત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement