નિમિષા સુથારનો પરિવાર આદિવાસી નથી જ, છતાં તેમની પાસે આદીવાસીનું સર્ટી હોવાથી મંત્રી બની ગયા: ભાજપના સાંસદનો આક્ષેપ

16 October 2021 04:05 PM
Gujarat Politics
  • નિમિષા સુથારનો પરિવાર આદિવાસી નથી જ, છતાં તેમની પાસે આદીવાસીનું સર્ટી હોવાથી મંત્રી બની ગયા: ભાજપના સાંસદનો આક્ષેપ

આદિવાસીઓના ભાગલા પડાવનારા અને ખોટા સર્ટિફિકેટ લેનારા લોકોથી સાવચેતી જરૂરી હોવાની મનસુખ વસાવાની ટકોર

રાજપીપળા, તા. 16
દશેરાના નિમિત્તે ભાજપ સાંસદ મનસુખ વસાવા સાગબારાના દેવમોગરા માતાજીના મંદિરમાં પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી. આરતીના બાદ મનસુખ વસાવાએ આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદીવાસીના પ્રમાણપત્રો લેનારા બાબતે વાત કરી હતી.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના પ્રશ્નોના ઉકેલ માટે આપણે સંગઠિત થવું પડશે. દેશમાં આદિવાસીઓ વચ્ચે ભાગલા પડાવવાવાળા વિદેશી તાકાત અને રૂપિયાને લીધે સક્રિય બન્યા છે એમનાથી સાવધાન રહેવું પડશે બાકી ભવિષ્યમાં હિંદુ ધર્મ ખતરામાં આવી જશે. આદિવાસીઓ પણ વર્ષોથી દેવી દેવતાની પૂજા કરતા આવ્યા છે. હિંદુ ધર્મનો ઠેકો લઈ ફરનારાને હું કહું છું, આદીવાસીઓને દિલથી સ્વીકારજો. ગુજરાતમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા સંગઠિત થઈ રહ્યાં છે અને આપણા સાચા આદિવાસીઓ અંદરો અંદર લડી રહ્યા છે.

મોરવા હડફના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષા સુથારના આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે હાલ આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ પિતા આદીવાસી હતા કે નહીં એ ખબર નથી, એમનું પરિવાર આદીવાસી નથી, છતાં પાર્ટીએ એમને ટીકીટ આપી મંત્રી બનાવ્યા કારણ કે એમની પાસે આદિવાસીનું સર્ટીફીકેટ હતું, એમને ટિકીટ આપી મંત્રી બનાવ્યા એ પાર્ટીનો અને સરકારનો વિષય છે.

નિમિષા સુથાર ખોટા છે એટલે ખોટા જ છે. હું એમના ચૂંટણી પ્રચારમાં જીતાડવા પણ નથી ગયો. નિમિષા સુથાર જ્યારે રાજપીપળા આવ્યા તો લોકો એમને પગે પડતા હતા પણ ખોટાને પગે ન પડવું જોઈએ. મને પાર્ટી કાઢી મૂકે એની મને પરવા નથી પણ હું સાચું જ બોલીશ.


Related News

Loading...
Advertisement
Advertisement