સુરતમાં માસ્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા 2ના મોત, 48 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

18 October 2021 10:11 AM
Surat Gujarat
  • સુરતમાં માસ્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા 2ના મોત, 48 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

▪️ વહેલી સવારે 4.30 કલાકે આગ લાગી, આગથી બચવા પાઈપ પકડીને ઉતરતા મજૂરનું નીચે પટકાતા મોત

▪️ સુરતના મેયર સહિત અન્ય પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં

સુરત: કડોદરા GIDCમાં આજે સોમવારે મળસ્કે એક માસ્ક બનાવતી કંપનીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે ભાયનક સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 2 કર્મચારીઓ કંપનીના બિલ્ડીંગની આસપાસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે, 48 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વળી, ફાયર બ્રિગેડ દ્વારા 100થી વધુ કામદારોને હાઈડ્રોલિક ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

આગ લાગી તે સમયે કંપનીમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગતા જ તમામ કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. કેટલાક લોકો ધાબે ચઢી ગયા હતા. તો કેટલાક લોકો પાઈપ પકડીને નીચે ઉતરવા લાગ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાય અને ત્યારબાદ સુધીમાં 100થી વધુ લોકોને હાઈડ્રોલિક ક્રેનની મદદથી રેસ્ક્યૂ કર્યા હતા.

આગના સમયે જીવ બચાવવા માટે એક કર્મચારી બિલ્ડીંગ સાથે અટેચ પાઈપ પકડીને નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે તેનો હાથ પાઈપ પરથી છટકી જતા તે જમીન પર પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડીંગમાં તપાસ હાથ ધરાઈ ત્યારે બેઝમેન્ટમાંથી એક કર્મચારી મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનું મોત ગૂંગળામણને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ તેમને આગનો કોલ મળ્યો હતો. જ્યારબાદ ઘટનાસ્થળે પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે આસપાસના ફાયર સ્ટેશન્સ પરથી પણ ફાયર એન્જિન્સની મદદ લેવામાં આવી હતી. અંદાજે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જેમાં 10થી વધુ ફાયર એન્જિન્સની મદદ લેવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement