કાર અથડાયા મામલે વિદેશથી પરત ફરેલા ગરાસીયા યુવાન પર હુમલો, કાર્યવાહી માટે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને ગુહાર લગાવી

19 October 2021 05:14 PM
Rajkot Crime
  • કાર અથડાયા મામલે વિદેશથી પરત ફરેલા ગરાસીયા યુવાન પર હુમલો, કાર્યવાહી માટે મુખ્યમંત્રી-ગૃહમંત્રીને ગુહાર લગાવી

અમીનમાર્ગ પર લુખ્ખાઓનો આતંક : રેલનગરમાં રહેતા જયદીપસિંહ વાઘેલા પોતાના માતા, પત્નિ અને ભાણી સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય કાર સાથે સામાન્ય ઠોકર લાગતા બે શખ્સોએ ઉશ્કેરાઈ ઝપાઝપી કરી અપશબ્દો કહ્યા હતા

જયદીપસિંહ, વિયેતનામમાં ઈમ્પોર્ટ એકસપોર્ટનો વ્યવસાય કરે છે, એપ્રિલમાં જ પરત રાજકોટ આવેલા, લુખ્ખાઓની દાદાગીરી જોઈને ડઘાઈ ગયા હતા, માલવીયા પોલીસમાં ફરીયાદ નોંધવા અરજી કરી: ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ તા.19 : શહેરમાં લુખ્ખા તત્વો નજીવી બાબતે મારામારી પર ઉતરી આવતા હોવાની અનેક ઘટના બની છે ત્યારે શહેરનાં રેલનગરમાં રહેતા અને વિદેશથી તાજેતરમાં જ પરત ફરેલા ગરાસીયા યુવાન પર કાર અથડાવા મામલે બે અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી છે.

આ અંગે જયદીપસિંહ માધુભા વાઘેલા ઉ.વ.30 એ ‘સાંજ સમાચાર’ને જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હું મારા પત્નિ અને માતા તથા ભાણીબા સાથે મારી કારમાં અમીન માર્ગનાં કોર્નર પાસેથી પસાર થયો હતો. ત્યારે મારી આગળ જતી જી.જે01-સીવાય-4468 નંબરની કારે અચાનક ટર્ન લેતા અમારી બન્નેની કાર સામાન્ય અથડાઈ હતી. હું કંઈ સમજું તે પહેલા જ કારમાંથી બે અજાણ્યા શખ્સો ઉતર્યા હતા. અને મારી કાર પાસે આવી દરવાજો ખોલી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

તેઓએ મને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મે બચાવ કરી એક વ્યકિતનો હાથ પકડી લીધો હતો જયારે બીજા વ્યકિતએ મારા ગળાના ભાગે માર માર્યો હતો. મારી સાથે મારા પરિવારનાં મહિલા સભ્યો હોવા છતાં તે બન્ને શખ્સ અપશબ્દો બોલી રહ્યા હતા. નજીવી બાબતમાં તે બન્ને શખ્સો ખુબ જ ઉશ્કેરાઈ ગયા હતા અને ધાક-ધમકી આપી તારે જેને બોલાવી લેવા હોય તેને બોલાવી લે તેમ જોર-જોરથી રાડો પાડવા લાગ્યા હતા.

પરિવારનાં સભ્યો સાથે હોવાથી હૂં ત્યાંથી કાર લઈ નીકળી ગયા બાદ પરિવારનાં સભ્યોને ઘેર ઉતારી રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ગયો હતો અને ગળામાં માર માર્યો હોવાથી સારવાર લીધી હતી. બાદમાં માલવીયાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધવા અરજી આપી હતી. મેં મારી રીતે તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જયદીપસિંહ વિયેતનામમાં ઈમ્પોર્ટ એકસપોર્ટનો વ્યવસાય કરે છે.ગત એપ્રિલ માસમાં તેઓ રાજકોટ પરત ફર્યા હતા.

અહી લુખ્ખાઓની આ પ્રકારની દાદાગીરી જોઈ તેઓ ખૂબ જ ડઘાઈ ગયા હતા.સિવીલમાં સારવાર લીધા પછી તેઓએ ફરીયાદ નોંધવા માલવીયાનગર પોલીસ મથકે અરજી કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જયદીપસિંહે પોતાની રીતે તપાસ કરતાં ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.આ ફૂટેજ તેમણે ટવીટર પર શેર કરી મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રાજકોટ પોલીસ કમિશ્નર વગેરેને ટેગ કરી કાયદો વ્યવસ્થામાં લોકોનો ભરોસો જળવાઈ રહે તે માટે લુખ્ખા તત્વો સામે પગલા લેવા માંગણી કરી છે.

 

 


Related News

Loading...
Advertisement
Advertisement