ગુજરાતના 14 કોંગી નેતાઓ કાલે દિલ્હી જશે: શુક્રવારે બેઠક

20 October 2021 04:42 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના 14 કોંગી નેતાઓ કાલે દિલ્હી જશે: શુક્રવારે બેઠક

પ્રદેશ પ્રમુખ-વિપક્ષી નેતાની પસંદગી માટે રાહૂલ ગાંધીની હાજરીમાં બેઠક થશે: અંદરખાને લોબીંગ શરૂ: દિવાળી સુધીમાં નામો જાહેર થઈ જવાનો નિર્દેશ

રાજકોટ તા.20
ગુજરાત વિધાનસભાની આગામી વર્ષની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં પ્રદેશ સુકાનીઓની નિયુકિતની પ્રક્રિયા આખરી તબકકામાં પહોંચી હોય તેમ પ્રદેશ નેતાઓને દિલ્હી તેડાવવામાં આવ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક થશે. તમામને વિશ્વાસમાં રાખીને નવા સુકાનીઓ પસંદ કરવાનો નેતાગીરીનો વ્યુહ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગુજરાત કોંગ્રેસના સુકાનીઓની જગ્યા મહિનાઓથી ખાલી રહ્યા બાદ તાજેતરમાં પ્રભારીપદે રાજસ્થાનનાં સીનીયર નેતા રઘુ શર્માની નિયુકિત થયા બાદ હવે પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાની પસંદગી પ્રક્રિયા પણ ઝડપી બની છે.

પ્રભારી દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસના કેમ્પ દરમ્યાન તમામ નેતાઓ-ધારાસભ્યો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને તેના આધારે રાષ્ટ્રીય નેતાગીરીને રીપોર્ટ સોંપવાની સાથોસાથ રૂબરૂ મીટીંગ પણ કરવામાં આવી હતી તેના આધારે હાઈકમાંડે પ્રદેશ નેતાઓને તેડાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે ગુજરાતના 14 જેટલા સિનિયર નેતાઓ આવતીકાલે દિલ્હી જશે તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ઉપરાંત અર્જુન મોઢવાડીયા, શકિતસિંહ ગોહીલ, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર, હિમતસિંહ પટેલ, નરેશ પટેલ, વગેરેનો સમાવેશ થાય છે.

હાર્દિક પટેલ વગેરેના પણ નામ છે.તમામ નેતાઓ સાથે રાહુલ ગાંધી વન-ટુ-વન તથા સંયુકત બેઠક કરશે તેમ મનાય છે. હાઈ કમાન્ડનું તેડુ આવવાને પગલે પ્રદેશ નેતાઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, શકિતસિંહ ગોહીલ વગેરેના નામ પ્રમુખપદની રેસમાં ગણાવાય છે. હાઈકમાંડ યુવા ચહેરાને તક આપવાનો વ્યુહ અપનાવે છે કે અનુભવી પર પસંદગી કરે છે તેના પર નેતાઓની નજર રહી છે. આંતરીક ધમધમાટ તેજ બન્યો છે.

ચૂંટણી વર્ષમાં પ્રતિષ્ઠિત પદ મેળવવા માટે અંદરખાને લોબીંગ પણ શરૂ થઈ ગયાનું મનાય છે. સુત્રોએ કહ્યું કે દિવાળી સુધીમાં નવા પ્રદેશ સુકાનીઓના નામ જાહેર થઈ જવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયત-કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસનાં કંગાળ દેખાવને પગલે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધા હતા. નવી પસંદગી સુધી તેઓને ચાલુ રહેવા કહેવાયું હતું.

આ દરમ્યાન કોરોનાકાળ પંજાબ જેવા રાજયોના પ્રશ્ર્નોને કારણે ગુજરાતનો મામલો ટલ્લે ચડતો રહ્યો હતો.પ્રભારી રાજીવ સાતવના અવસાનથી આ પદ નવી નિયુકિત પણ અનિવાર્ય થઈ પડી હતી.હવે પ્રભારી નિમાઈ ગયા બાદ પ્રદેશ નેતાગીરી નકકી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. કોંગ્રેસના જ સુત્રોએ કહ્યું કે, આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે તેની મોટી તૈયારી કરવાની થાય છે. નવા સુકાનીઓની નિયુકિત થવાની સાથે જ સંગઠન સહીતની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement